ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073માં ભારતીય કેપ્ટન સ્મિત મચ્છરે 14,000 ફૂટની ઊંચાઈએ મોત સામે લડીને 174 મુસાફરોના જીવ બચાવ્યા છે. દુબઈથી તેલ અવીવ જતી આ ફ્લાઇટમાં ઓમાની સહ-પાયલટે હુમલો કરતાં વિમાન ક્રેશ થતું બચ્યું હતું.
ઘટના એવી બની કે ફ્લાઇટના ઓમાની સહ-પાયલટે વિમાનને ક્રેશ કરવાના ઇરાદે કેપ્ટન સ્મિત મચ્છર પર છરી વડે જીવલેણ હુમલો કર્યો. વિમાન અચાનક 14,000 ફૂટ નીચે ખાબક્યું. ભારે શારીરિક પીડા અને ઈજાઓ હોવા છતાં કેપ્ટન સ્મિતે હિંમત દાખવીને કોકપીટનો દરવાજો ખોલી દીધો, જેથી બીજા લોકોની મદદ મળી શકે. હુમલાખોરને કાબૂમાં લેવાયો અને સાઉદી અરેબિયામાં વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાયું. કેપ્ટનની સમયસૂચકતાને કારણે 174 મુસાફરો (કુલ 180 લોકો)ના જીવ બચી ગયા.
આ સમાચાર ફેલાતાં 30 સપ્ટેમ્બરથી ગૂગલ પર કેપ્ટન સ્મિત વિશે સર્ચ વધવા લાગ્યું. 2 ઓક્ટોબરના રોજ સવારે 9:30 વાગ્યે આ સર્ચ તેના ટોચના સ્કોર (100) પર પહોંચી ગયું. ગૂગલ ટ્રેન્ડ્સમાં 0થી 100નો સ્કોર ચોક્કસ સંખ્યા નથી બતાવતો, પરંતુ તે વિષયની લોકપ્રિયતા અને લોકોના રસનું પ્રમાણ દર્શાવે છે.
ઉત્તર અમેરિકા, યુરોપ અને એશિયા-પેસિફિકમાં લોકો તેમના વિશે માહિતી શોધી રહ્યા હતા, પરંતુ સૌથી વધુ રસ ભારત અને મધ્ય-પૂર્વ (ગલ્ફ)ના દેશોમાં જોવા મળ્યો. સ્મિત મચ્છર અંગે સૌથી વધુ રસ ધરાવતા ટોપ 10 દેશોમાં ભારત (100), સંયુક્ત આરબ અમીરાત (84), કતાર (37), કુવૈત (28), ઓમાન (27), નેપાળ (20), ઇઝરાયેલ (17), કેનેડા (16), સિંગાપોર (16) અને ન્યૂઝીલેન્ડ (14)નો સમાવેશ થાય છે.
ફ્લાઇટ દુબઈની હતી, કો-પાયલટ ઓમાની હતો અને સાઉદી અરેબિયામાં લેન્ડિંગ થયું, એટલે ગલ્ફ દેશોનો સ્કોર ઊંચો રહ્યો. જ્યારે ગંતવ્ય સ્થાન તેલ અવીવ હોવાથી ઇઝરાયેલ પણ આ યાદીમાં આગળ રહ્યું.
ભારતમાં આ સમાચાર ઝડપથી ફેલાયા. 30 સપ્ટેમ્બરથી શરૂ થયેલું સર્ચ 1 ઓક્ટોબરના રોજ રાત્રે 9:30 વાગ્યે ટોચ પર પહોંચ્યું હતું. આ એ સમય હતો જ્યારે સાંજના ન્યૂઝ બુલેટિન અને સોશિયલ મીડિયા પર આ સમાચાર વાઇરલ થઈ રહ્યા હતા. દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં લોકોએ આ ઘટના વિશે સૌથી વધુ સર્ચ કર્યું. લોકોને કેપ્ટનના સ્વાસ્થ્યની ચિંતા હતી અને ગંભીર ઈજાઓને કારણે લોકો સતત ગૂગલ પર પૂછી રહ્યા હતા કે, 'શું સ્મિત મચ્છર જીવિત છે?'
ગૂગલ ટ્રેન્ડ્સના ડેટામાં એક રસપ્રદ બાબત પણ સામે આવી. જ્યારે પણ કોઈ ભારતીય વૈશ્વિક સ્તરે કંઈક મોટું કરે છે, ત્યારે લોકો તેની પૃષ્ઠભૂમિ અને સમુદાય વિશે જાણવા ઉત્સુક થઈ જાય છે. કેપ્ટન સ્મિતના કિસ્સામાં પણ 'machchhar caste' (મચ્છર જાતિ) અને 'smit machchhar caste' (સ્મિત મચ્છર જાતિ) જેવા શબ્દો સૌથી વધુ સર્ચ થયા.
જ્યારે આખા ભારતમાં આ ઘટના વિશે સર્ચ થઈ રહ્યું હતું, ત્યારે 'જાતિ' વિશે સૌથી વધુ સર્ચ ગુજરાતમાં થયું (સ્કોર 100). કારણ કે 'મચ્છર' એક વિશિષ્ટ અટક છે અને કેપ્ટન સ્મિત ગુજરાતના વતની હોવાથી ગુજરાતીઓને તેમના મૂળ વિશે જાણવાની સૌથી વધુ ઉત્સુકતા હતી. આ ઉપરાંત ઉત્તર ભારતના રાજ્યોમાં પણ આ વિશે ખાસ્સો રસ જોવા મળ્યો.