ગાંધીનગર: ઈઝરાયલ જઈ રહેલી ફ્લાઈટમાં કો-પાયલટના હુમલાથી ગંભીર રીતે ઘાયલ થવા છતાં 174 મુસાફરોના જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરને ગુજરાત સરકાર 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ'થી સન્માનિત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સત્તાવાર જાહેરાત કરી છે.
મુખ્યમંત્રીએ કેપ્ટન સ્મિતની બહાદુરી અને ખુમારીને બિરદાવતા કહ્યું કે હુમલાના કારણે લોહીલુહાણ હોવા છતાં તેમણે અદમ્ય સાહસ દાખવીને 174 મુસાફરોના જીવ બચાવ્યા, જે અત્યંત પ્રેરણાદાયી છે.
મૂળ ગુજરાતના આ વીર સપૂતે પોતાના શૌર્યથી સમગ્ર વિશ્વમાં ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે. તેમની રગોમાં વહેતી ગુજરાતી ખુમારી પર સૌને ગર્વ છે. તેમના આ અસાધારણ શૌર્ય અને માનવતાના કાર્યને સન્માનવા માટે ગુજરાત સરકાર તેમને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ'થી સન્માનિત કરશે. સમગ્ર ગુજરાત તેમના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યું છે.
દુબઈથી તેલ અવીવ જઈ રહેલી 'ફ્લાયદુબઈ'ની ફ્લાઈટમાં થયેલા હુમલાનો સામનો કરતા કેપ્ટન સ્મિત મચ્છરે 174 લોકોના જીવ બચાવ્યા અને ફ્લાઇટને સુરક્ષિત લેન્ડ કરાવી. કો-પાયલટ દ્વારા ગંભીર રીતે ઘાયલ કરવામાં આવ્યા હોવા છતાં તેમણે હાર ન માની અને પોતાના જીવ કરતાં મુસાફરોના જીવને ઉપર રાખીને સૌને બચાવી લીધા.