સત્ય. સાહસ. સંકલ્પ.

ફ્લાયદુબઇના કેપ્ટન સ્મિત મચ્છરને 'અશોક ચક્ર' આપવાની દેશભરમાં માગ, દિગ્ગજ નેતાઓ અને હસ્તીઓ આગળ આવ્યા

ફ્લાયદુબઇના કેપ્ટન સ્મિત મચ્છરને 'અશોક ચક્ર' આપવાની દેશભરમાં માગ, દિગ્ગજ નેતાઓ અને હસ્તીઓ આગળ આવ્યા

દુબઈથી ઇઝરાયેલના તેલ અવીવ જતી ફ્લાયદુબઇની ફ્લાઇટ FZ 1073 ને હવામાનમાં આવેલી ગંભીર મુશ્કેલી વખતે સંભાળીને 174 લોકોના જીવ બચાવનારા કેપ્ટન સ્મિત મચ્છરની દેશ-વિદેશમાં પ્રશંસા થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ તેમની બહાદુરીને સલામ કરી છે.

હવે ભારતમાં કેપ્ટન સ્મિતને શાંતિકાળના સર્વોચ્ચ વીરતા પુરસ્કાર 'અશોક ચક્ર' આપવાની માગ ઊઠી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેથી લઈને લેખિકા શેફાલી વૈદ્ય સુધી ઘણા જાણીતા ચહેરાઓએ આ માગ કરી છે.

શિવસેનાના રાજ્યસભા સાંસદ મિલિંદ દેવરાએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને કેપ્ટન સ્મિત મચ્છરને 'અશોક ચક્ર' આપવાની વિચારણા કરવા વિનંતી કરી છે. મુંબઈમાં જન્મેલા કેપ્ટન સ્મિતે ફ્લાઇટ દરમિયાન અકલ્પનીય પરિસ્થિતિમાં ગજબની હિંમત દાખવી હતી. મિલિંદ દેવરાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એકનાથ શિંદે અને શિવસેના વતી પત્ર શેર કરીને કેપ્ટન સ્મિતને 'મુંબઈનો દીકરો' કહ્યા.

પત્રમાં દેવરાએ લખ્યું કે, આકાશમાં અકલ્પનીય પડકારનો સામનો કરતી વખતે કેપ્ટન સ્મિતે પોતાના જીવની પરવા કર્યા વગર બીજાના જીવને પ્રાથમિકતા આપી. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં તેમણે પોતાની જવાબદારી નિભાવી. આ સાહસ, નિઃસ્વાર્થ ભાવ અને કર્તવ્યનિષ્ઠાની ઉચ્ચતમ મિસાલ છે.

લેખિકા શેફાલી વૈદ્યએ વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ટેગ કરીને લખ્યું, 'જો આ વર્ષે કોઈ અશોક ચક્રનું હકદાર છે, તો તે કેપ્ટન સ્મિત મચ્છર છે. ફ્લાયદુબઇના આ બહાદુર પાયલોટે પોતે ગંભીર રીતે ઘાયલ હોવા છતાં 200 મુસાફરોના જીવ બચાવ્યા.'

ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલોટ્સે પણ વડાપ્રધાન કાર્યાલયને પત્ર લખીને કેપ્ટન સ્મિત મચ્છરને યોગ્ય રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર કે રાષ્ટ્રીય નાગરિક સન્માન આપવા વિચારણા કરવા જણાવ્યું છે. સંબંધિત સરકારી નિયમો અનુસાર અને સત્તાવાર તપાસ બાદ આ નિર્ણય લેવા તેમણે વિનંતી કરી છે.

લિમ્કા અને 2018ના નેશનલ એવોર્ડથી સન્માનિત ભારતના પ્રથમ બ્લેડ રનર મેજર ડી. પી. સિંહે પણ 'X' પર લખ્યું કે, કેપ્ટન સ્મિત શાંતિકાળના સર્વોચ્ચ વીરતા પુરસ્કાર અશોક ચક્રના હકદાર છે. નીરજા ભનોટને 1987માં મરણોત્તર આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે વડાપ્રધાન મોદીએ શુક્રવારે, 2 ઓક્ટોબરે કેપ્ટન સ્મિત સાથે ફોન પર વાત કરી હતી. હુમલામાં ઘાયલ કેપ્ટનની હાલચાલ પૂછી હતી. હાલ અબુ ધાબીની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. આ પહેલાં ગુરુવારે વડાપ્રધાન મોદીએ કેપ્ટન સ્મિતના પરિવારજનો સાથે પણ વાત કરી હતી. UAEમાં ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર, કેપ્ટન સ્મિતની સ્થિતિ સુધારા તરફ છે અને તેઓ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે.