ઘણા લોકો માને છે કે જૂનું ઘર વેચીને નવું ઘર ખરીદી લેવાથી આવકવેરામાંથી આપોઆપ છુટકારો મળી જાય છે. પરંતુ આવકવેરા વિભાગના નિયમો પ્રમાણે એવું નથી. ટેક્સમાંથી મુક્તિ મેળવવા માટે અમુક શરતો પૂરી કરવી પડે છે. જો શરતોનું પાલન ન થાય તો નવું મકાન ખરીદ્યા પછી પણ ટેક્સ ચૂકવવો પડી શકે છે.
કલમ 54 શું છે?
આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 54 હેઠળ પ્રોપર્ટી વેચીને મળેલા નફાને નવા ઘરમાં રોકાણ કરવા પર કર રાહત મળે છે. નવા આવકવેરા અધિનિયમ, 2025માં પણ કલમ 82 હેઠળ આ જ પ્રકારની જોગવાઈ છે. પરંતુ સમય, રોકાણની રકમ અને મર્યાદા અંગે કડક નિયમો છે.
મૂડી લાભ એટલે શું?
ધારો કે તમે 10 વર્ષ પહેલાં 40 લાખ રૂપિયામાં ઘર ખરીદ્યું હતું અને હવે 70 લાખમાં વેચો છો. વેચાણ કિંમત અને ખરીદ કિંમત વચ્ચેનો 30 લાખનો ફાયદો એ મૂડી લાભ અથવા કેપિટલ ગેઈન કહેવાય. લાંબા ગાળાના મૂડી લાભ પર યોગ્ય રીતે નવું ઘર ખરીદીને ટેક્સમાંથી મુક્તિ મેળવી શકાય.
1. ઘર ખરીદવા કે બનાવવા માટેની સમયમર્યાદા
જૂનું ઘર વેચ્યા પછી નવું તૈયાર ઘર ખરીદવા માટે 2 વર્ષનો સમય મળે છે. જૂનું ઘર વેચતા 1 વર્ષ પહેલાં પણ નવું ઘર ખરીદી શકાય છે. જો નવું ઘર જાતે બનાવવું હોય તો જૂનું ઘર વેચ્યાની તારીખથી 3 વર્ષનો સમય મળે છે. સમયમર્યાદા ચૂકી જવાથી નફા પર ટેક્સ લાગે છે.
2. જૂનું ઘર કેટલા સમય માટે માલિકીનું હોવું જોઈએ?
ટેક્સ બચાવવા માટે વેચાયેલું ઘર ‘લાંબા ગાળાની મૂડી સંપત્તિ’ હોવું જોઈએ, એટલે કે વેચાણ પહેલાં ઓછામાં ઓછા 24 મહિના તમારી માલિકી હેઠળ હોવું જોઈએ. જો 24 મહિનાથી ઓછા સમયમાં ઘર વેચો તો નફો ‘ટૂંકા ગાળાનો મૂડી લાભ’ ગણાશે અને નવું ઘર ખરીદવાથી ટેક્સ માફ નહીં થાય.
3. રોકાણ માટે 10 કરોડ રૂપિયાની મર્યાદા
કલમ 54 હેઠળ ટેક્સ મુક્તિ ફક્ત 10 કરોડ રૂપિયા સુધીના રોકાણ પર જ મળે છે. જો નવા ઘરમાં રોકાણ 10 કરોડથી વધી જાય તો વધારાની રકમ મુક્તિ માટે પાત્ર નથી. મોટા પ્રોપર્ટી સોદામાં આ નિયમ ધ્યાનમાં રાખવો જરૂરી છે.
4. મૂડી લાભના પૈસા ન વપરાય તો?
ઘણી વાર લોકો ઘર વેચી દે છે પણ યોગ્ય વિકલ્પ ન મળતાં નવું ઘર તરત ખરીદી શકતા નથી. આવા સંજોગોમાં ITR ફાઈલ કરતી વખતે નફાની બાકી રકમ બેંકની કેપિટલ ગેઈન્સ એકાઉન્ટ સ્કીમ (CGAS) હેઠળ જમા કરાવવી ફરજિયાત છે. સામાન્ય ખાતામાં રાખી શકાય નહીં.
ટૂંકમાં, માત્ર નવું ઘર ખરીદવાથી ટેક્સ માફ થતો નથી; સમયમર્યાદા, માલિકીનો સમયગાળો, રોકાણની મર્યાદા અને CGAS જેવી શરતો પૂરી કરવી પડે છે. આ ભૂલો ટાળીને ટેક્સ બચાવી શકાય છે.