સત્ય. સાહસ. સંકલ્પ.

કેન્સર સારવાર બાદ ફરી પાછું આવી શકે છે: આ 10 લક્ષણો ધ્યાનમાં રાખો

કેન્સર સારવાર બાદ ફરી પાછું આવી શકે છે: આ 10 લક્ષણો ધ્યાનમાં રાખો

તાજેતરમાં જાણીતા અભિનેતા મુશ્તાક ખાનનું કેન્સરને કારણે અવસાન થયું છે. અહેવાલો અનુસાર, તેમને પહેલાં પણ કેન્સર થયું હતું અને સારવાર બાદ તેઓ સાજા થઈ ગયા હતા. આ ઘટના એ યાદ અપાવે છે કે કેન્સરની સારવાર પૂરી થયા બાદ અને દર્દી સાજા-નરવા દેખાતા હોય તો પણ કેટલાક કિસ્સામાં કેન્સર ફરી પાછું આવી શકે છે.

કેન્સર રિલેપ્સ એટલે સારવાર બાદ કેન્સરનું ફરી પ્રકટ થવું. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સારવારથી કેન્સરને નિયંત્રણમાં લાવી શકાય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે કેન્સરના તમામ કોષો શરીરમાંથી સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે. કેટલાક કિસ્સામાં થોડા કેન્સર કોષો સારવાર બાદ પણ શરીરમાં જીવંત રહી જાય છે. આ કોષો મહિનાઓ કે વર્ષો સુધી નિષ્ક્રિય રહી શકે છે અને પછી ફરી વધવા લાગે છે. તેથી સારવારનો પૂરો કોર્સ પૂર્ણ કરવો, નિયમિત ફોલોઅપ રાખવો અને જરૂરી તપાસ કરાવવી ખૂબ જરૂરી છે — ભલે દર્દી પોતાને સંપૂર્ણ સ્વસ્થ અનુભવતો હોય.

કેન્સરનું ફરી આવવું ગંભીર બાબત છે, પણ તેનો અર્થ એ નથી કે હવે સારવાર શક્ય નથી. કેન્સર ફરી દેખાયા બાદ આગળની સારવાર કેવી રહેશે તે ઘણી બાબતો પર આધારિત છે — જેમ કે કેન્સર ક્યાં પાછું આવ્યું છે, તે એક જ જગ્યાએ મર્યાદિત છે કે શરીરના અન્ય ભાગોમાં ફેલાયું છે, મૂળ કેન્સરનો પ્રકાર અને સ્ટેજ શું હતો, સારવાર પૂરી થયા બાદ કેટલો સમય થયો છે, અને નવી સારવાર સામે કેન્સર કેવી પ્રતિક્રિયા આપે છે. દર્દીની એકંદર તબિયત અને અગાઉ આપવામાં આવેલી સારવારને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. તેથી દરેક દર્દી માટે સારવારની પદ્ધતિ અલગ હોઈ શકે છે. કેટલાક કિસ્સામાં ડોક્ટર ઝડપી અને સઘન સારવાર આપે છે, જ્યારે કેટલાક કિસ્સામાં મુખ્ય ધ્યેય રોગને નિયંત્રણમાં રાખવો અને દર્દીના જીવનની ગુણવત્તા જાળવી રાખવો હોય છે.

કેન્સરની સારવાર બાદ દર્દીએ શરીરમાં દેખાતા એવા નવા લક્ષણો પર ધ્યાન આપવું જોઈએ, જે સતત રહેતા હોય અથવા સામાન્ય કરતાં અલગ હોય. આવા લક્ષણોમાં મુખ્યત્વે નીચેના મુદ્દા સામેલ છે:

1. કોઈ ખાસ કારણ વગર વજન ઘટવું.
2. સતત થાક લાગવો.
3. શરીરમાં નવી ગાંઠ અથવા સોજો દેખાવો.
4. સતત દુખાવો રહેવો.
5. લાંબા સમય સુધી ન મટતી ઉધરસ.
6. કોઈ સ્પષ્ટ કારણ વગર શ્વાસ લેવામાં તકલીફ અથવા શ્વાસ ફૂલવો.
7. અસામાન્ય રીતે રક્તસ્ત્રાવ થવો.
8. સતત ભૂખ ઓછી લાગવી.
9. શરીરમાં નવો દુખાવો કે અકળામણ સતત રહેવી.
10. ત્વચા પર નવા ફેરફાર અથવા ચાંદા જેવા લક્ષણ દેખાવા.

જોકે, આમાંથી કોઈપણ લક્ષણ દેખાય એટલે કેન્સર ફરી થયું જ છે એવું જરૂરી નથી. આવા લક્ષણોના બીજા ઘણા કારણો પણ હોઈ શકે છે. પરંતુ જો વ્યક્તિને અગાઉ કેન્સર થઈ ચૂક્યું હોય અને આવા નવા કે સતત ચાલતા લક્ષણો દેખાય, તો તેને અવગણવાને બદલે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. કેન્સરની સારવાર બાદ નિયમિત ફોલોઅપ, ડોક્ટરની સલાહ મુજબ જરૂરી તપાસ અને શરીરમાં થતા અસામાન્ય ફેરફારો અંગે સમયસર જાણ કરવી મહત્વપૂર્ણ છે.

નોંધ: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. કોઈપણ લક્ષણ દેખાય તો તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ.