કેન્સરની સારવાર કરાવતા દર્દીઓ અને તેમના પરિવારો માટે કેન્દ્ર સરકારે મોટી રાહતનો નિર્ણય લીધો છે. કેન્સરની સારવારમાં વપરાતી 137 જરૂરી દવાઓના ભાવમાં 70% સુધીનો ઘટાડો થવાનો રસ્તો સાફ થયો છે. રસાયણ અને ખાતર મંત્રાલયે શનિવારે આ અંગે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે.
નોટિફિકેશન મુજબ, આ 137 નોન-શેડ્યુલ્ડ દવાઓ પર વેપારીઓ 30% થી વધુ નફો કમાઈ શકશે નહીં. ડ્રગ્સ (કિંમત નિયંત્રણ) ઓર્ડર, 2013ની કલમ 19 હેઠળ ટ્રેડ માર્જિન રેશનલાઇઝેશન (TMR) સિસ્ટમ લાગુ કરીને આ નિર્ણય લેવાયો છે.
નવા નિયમો 9 નવેમ્બરથી દેશભરમાં લાગુ થશે. તેના અમલ સાથે જ બજારમાં મળતી આ દવાઓના ભાવમાં સીધો 70% સુધીનો ઘટાડો જોવા મળશે.
આ નિર્ણય આરોગ્ય સેવા મહાનિર્દેશાલય (DGHS)ના નેતૃત્વ હેઠળની નિષ્ણાત સમિતિની ભલામણો બાદ લેવાયો છે. સમિતિમાં કેન્સર નિષ્ણાતો, મોટી હોસ્પિટલોના પ્રતિનિધિઓ, તબીબી નિષ્ણાતો અને સરકારી અધિકારીઓ સામેલ હતા. તેમણે વિગતવાર અભ્યાસ કરીને 137 દવાઓની યાદી તૈયાર કરી છે. ભવિષ્યમાં દર્દીઓની જરૂરિયાત મુજબ યાદીમાં સમયાંતરે ઉમેરો કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે 2019માં NPPAએ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, જેમાં 42 કેન્સર દવાઓ પર 30% નફાની મર્યાદા નક્કી કરાઈ હતી. તેના સકારાત્મક પરિણામો મળ્યા હતા અને 526 બ્રાન્ડની દવાઓના મહત્તમ છૂટક ભાવ (MRP)માં 90% સુધીનો ઘટાડો નોંધાયો હતો. આ સફળતાને આધારે હવે મોટી સંખ્યામાં દવાઓને લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે.
ટ્રેડ માર્જિન એટલે દવા બનાવવાના કુલ ખર્ચ અને દર્દી મેડિકલ સ્ટોર પર ચૂકવતી મહત્તમ છૂટક કિંમત (MRP) વચ્ચેનો તફાવત. અત્યાર સુધી હોસ્પિટલો, ડિસ્ટ્રીબ્યુટરો અને છૂટક વેપારીઓ આ માર્જિન ઊંચું રાખતા, જેથી દવાઓ દર્દી સુધી મોંઘી પહોંચતી. હવે કોઈ હોસ્પિટલ, વિતરક કે મેડિકલ સ્ટોર આ દવાઓ પર 30% થી વધુ નફો વસૂલી શકશે નહીં.
ફાર્માસ્યુટિકલ કંપનીઓએ તેમની સત્તાવાર વેબસાઇટ પર દવાઓના નવા ભાવની યાદી ફરજિયાત પ્રકાશિત કરવાની રહેશે. છૂટક વેપારીઓ અને હોસ્પિટલોએ 9 નવેમ્બરથી નવા દરે જ દવાઓ વેચવાની રહેશે. ફાર્મસીઓએ પોતાની દુકાનમાં નવી કિંમતોનું બોર્ડ પણ દર્શાવવું પડશે, જેથી દર્દીઓ છેતરાય નહીં.