સત્ય. સાહસ. સંકલ્પ.

કેન્સરની 137 દવાઓ આજથી સસ્તી: સુપ્રીમ કોર્ટના ઠપકા બાદ NPPAએ નફો 30% કર્યો

કેન્સરની 137 દવાઓ આજથી સસ્તી: સુપ્રીમ કોર્ટના ઠપકા બાદ NPPAએ નફો 30% કર્યો

કેન્સરની 137 દવાઓ આજથી સસ્તી થઈ ગઈ છે. દવા કંપનીઓએ 121 દવાઓના 1,364 ફોર્મ્યુલેશનની નવી કિંમતો જાહેર કરી છે. જેમાં 679 બ્રાન્ડની દવાઓના ભાવ 50 ટકાથી વધુ ઘટ્યા છે. સૌથી વધુ ઘટાડો 96.45 ટકાનો છે. આ ઘટાડાને કારણે દર્દીઓને દર વર્ષે અંદાજે 3,540 કરોડ રૂપિયાની બચત થશે.

22 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે કેન્સરની દવાઓની રિટેલ કિંમત (PTR) અને મેક્સિમમ રિટેલ પ્રાઇઝ એટલે કે MRP વચ્ચેના માર્જિન પર સવાલ ઉઠાવ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે 2,700 રૂપિયાની દવા દર્દીને 27,000 રૂપિયામાં આપવી એ લૂંટ છે, નરસંહાર જેવી બાબત છે.

સુપ્રીમ કોર્ટની નારાજગી બાદ 17 ઓક્ટોબરે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીએ (NPPA) 137 બિન-અનુસૂચિત એટલે કે નોન-શેડ્યૂલ્ડ કેન્સર દવાઓ પર કંપનીઓનો નફો 30 ટકા નક્કી કર્યો હતો. જે બાદ દવાઓની કિંમતમાં ઘટાડો થયો છે.

કિંમતો ઘટાડવાની ભલામણ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસિસ (DGHS) હેઠળ રચાયેલી નિષ્ણાત સમિતિએ કરી હતી. સમિતિમાં દેશભરના અગ્રણી ઓન્કોલોજિસ્ટ, તબીબી નિષ્ણાતો, હોસ્પિટલના નિષ્ણાતો અને સરકારી અધિકારીઓ સામેલ હતા. સમિતિએ માર્જિનને તર્કસંગત બનાવવા 137 દવાઓની ભલામણ કરી હતી. આ યાદી સમયાંતરે અપડેટ થશે.

ખરીદદારો દવાના પેકેટ પર છપાયેલી બદલાયેલી કિંમત જોઈ શકે છે. તેઓ 'ફાર્મા સહી દામ' મોબાઇલ એપ અથવા NPPAની વેબસાઇટ પર દવાની નવી કિંમત ચકાસી શકે છે. કોઈ કેમિસ્ટ કે હોસ્પિટલની ફાર્મસી નક્કી કરાયેલી કિંમતથી વધુ ભાવ વસૂલી શકે નહીં. વધુ કિંમત વસૂલાય તો ગ્રાહકો 'ફાર્મા જન સમાધાન' પોર્ટલ પર ફરિયાદ નોંધાવી શકે છે અથવા NPPAની હેલ્પલાઇન 1800-111-255 પર સંપર્ક કરી શકે છે.

દવાની કિંમત કેવી રીતે નક્કી થાય છે તે સમજવા જેવું છે. ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર (DPCO) આવશ્યક દવાઓની કિંમતો નિયંત્રિત કરે છે. 2013ના DPCO હેઠળ નેશનલ લિસ્ટ ઑફ એસેન્શિયલ મેડિસિન્સ (NLEM)માં સામેલ દવાઓની મહત્તમ કિંમત સરકાર નક્કી કરે છે. બજારમાં વેચાતી દવાઓની કિંમતોના આધારે આવશ્યક દવાઓની મહત્તમ મર્યાદા નક્કી થાય છે. આથી વધુ ભાવે દવા વેચવી ગેરકાયદે છે.

આરોગ્ય મંત્રાલય દવાની સુરક્ષા, અસરકારકતા અને કિંમતને ધ્યાનમાં રાખીને આવશ્યક દવાઓની યાદી બનાવે છે. તેમાં દેશમાં થતી સામાન્ય બીમારીઓ અને લોકોની આરોગ્યસંબંધી જરૂરિયાતો ધ્યાનમાં રખાય છે. આ યાદીની સમયાંતરે સમીક્ષા થાય છે અને જરૂર પડે નવી દવાઓ ઉમેરાય છે. જે દવાઓ આ યાદીમાં સામેલ નથી તેમની કિંમતો પર સરકારનું સીધું નિયંત્રણ ઓછું હોય છે.