સત્ય. સાહસ. સંકલ્પ.

કેન્સરની 543 દવાઓના ભાવમાં મોટો ઘટાડો, 9 નવેમ્બરથી નવા દર લાગુ

કેન્સરની 543 દવાઓના ભાવમાં મોટો ઘટાડો, 9 નવેમ્બરથી નવા દર લાગુ

કેન્સરની સારવાર કરાવતા દર્દીઓ અને તેમના પરિવારો માટે રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકારે કેન્સરની સારવારમાં વપરાતી 543 એન્ટી-કેન્સર દવાઓની બ્રાન્ડના ભાવમાં ઘટાડો જાહેર કર્યો છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA)એ આ દવાઓના સુધારેલા મહત્તમ છૂટક ભાવ (MRP)ની નવી યાદી બહાર પાડી છે. ફાર્માસ્યુટિકલ્સ વિભાગની જાહેરાત મુજબ, નવા દરો 9 નવેમ્બર, 2026થી દેશભરમાં લાગુ થશે.

સરકારના આ નિર્ણયથી ઘણી દવાઓના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઉદાહરણ તરીકે, હોર્મોન-સંવેદનશીલ સ્તન કેન્સરની સારવારમાં વપરાતી એનાસ્ટ્રોઝોલ દવાના ભાવમાં મોટો ઘટાડો થયો છે. RPG લાઇફ સાયન્સની અનારઝોલ (1 મિલિગ્રામ)ની 10 ગોળીઓના પેકની કિંમત 695.76 રૂપિયાથી ઘટીને 73 રૂપિયા થઈ છે.

ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝના એઝાસીટીડાઇન ઇન્જેક્શન (એઝાસીટીન 100 મિલિગ્રામ)નો ભાવ 6,337 રૂપિયાથી ઘટાડીને 1,495.04 રૂપિયા કરાયો છે. એબોટ હેલ્થકેરના બેવાસીઝાબ (100 મિલિગ્રામ/4 મિલી) ઇન્જેક્શનની કિંમત 21,767.70 રૂપિયાથી ઘટીને 5,930.13 રૂપિયા થઈ છે.

અન્ય બ્રાન્ડ્સમાં પણ ભાવ ઘટાડો થયો છે. દાસાટીનિબ બ્રાન્ડની દાસાનાટ 20 (60 ગોળીઓ)ની કિંમત 2,812.50 રૂપિયાથી ઘટીને 1,085.93 રૂપિયા થઈ છે. ડેનોસુમાબ ઇન્જેક્શન (ડેબ્રુમાબ 60 મિલિગ્રામ)ની કિંમત 22,031.25 રૂપિયાથી ઘટાડીને 5,941 રૂપિયા કરાઈ છે. તેવી જ રીતે, RPG લાઇફ સાયન્સની એન્ઝાલુટામાઇડ બ્રાન્ડ (એનુટા)ના 28 કેપ્સ્યુલ પેકનો ભાવ 6,578.20 રૂપિયાથી ઘટીને 2,232 રૂપિયા થયો છે. એર્લોટીનિબ બ્રાન્ડ (ERLIB)ની 30 ગોળીઓની કિંમત 4,637.45 રૂપિયાથી ઘટીને 2,008 રૂપિયા થઈ છે. ફુલવેસ્ટ્રેન્ટ ઇન્જેક્શન (ફુલબ્રેકા 5 મિલી)ની કિંમત 26,072.16 રૂપિયાથી ઘટીને 5,491 રૂપિયા થઈ છે.

સરકારે 137 ઓળખાયેલી બિન-શિડ્યુલ્ડ (Non-scheduled) કેન્સર વિરોધી દવાઓ માટે 'ટ્રેડ માર્જિન રેશનલાઇઝેશન' (TMR) લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ડ્રગ્સ (કિંમત નિયંત્રણ) ઓર્ડર, 2013ની જોગવાઈઓનો ઉપયોગ કરીને NPPAએ આ દવાઓ પરના ટ્રેડ માર્જિનને 30 ટકા સુધી મર્યાદિત કર્યું છે. ટ્રેડ માર્જિન એ દવાના ઉત્પાદનથી લઈને અંતિમ ગ્રાહક સુધી પહોંચવા વચ્ચે ડિસ્ટ્રીબ્યુટર્સ અને વેપારીઓ દ્વારા નફા તરીકે ઉમેરવામાં આવતી રકમ છે. આ માર્જિન પર અંકુશ લાદીને સરકાર દવાઓનો પુરવઠો ખોરવાય નહીં અને દર્દીઓને વ્યાજબી ભાવે દવા મળે તે સુનિશ્ચિત કરવા માંગે છે.

આ યાદીમાં 20થી વધુ પ્રકારના કેન્સરની સારવારમાં વપરાતી ઇમ્યુનોથેરાપી દવાઓ સામેલ છે. જેમાં સ્તન અને પ્રોસ્ટેટ કેન્સર માટે ડેનોસુમાબ, શ્વેત રક્તકણો વધારવા માટે પેગફિલગ્રાસ્ટિમ અને કોલોરેક્ટલ, અંડાશય તેમજ સર્વાઇકલ કેન્સરની સારવારમાં વપરાતી બેવાસીઝુમાબ જેવી દવાઓનો સમાવેશ થાય છે.

NPPAની આ યાદી કંપનીઓ દ્વારા 27 ઓક્ટોબર સુધીમાં સબમિટ કરવામાં આવેલી ભાવની માહિતી પર આધારિત છે. 9 નવેમ્બર, 2026થી નવા સુધારેલા MRP મેડિકલ સ્ટોર્સ પર લાગુ થશે. અન્ય ઉત્પાદકો દ્વારા સુધારેલા ભાવ સબમિટ કરાતાં આ સૂચિ અપડેટ થશે.

દર્દીઓએ ધ્યાન રાખવું જરૂરી છે કે દરેક દવામાં ભાવ ઘટાડો એકસમાન નથી હોતો. દવાની બ્રાન્ડ, શક્તિ (પાવર) અને પેકિંગના કદ મુજબ ભાવમાં તફાવત હોઈ શકે છે. તેથી નવી કિંમતની ખાતરી કરવા માટે ગ્રાહકો અને આરોગ્યસંભાળ પ્રદાતાઓ NPPAની સત્તાવાર વેબસાઇટનો સંદર્ભ લઈ શકે છે.

સરકારના આ પગલાનો હેતુ કેન્સરની દવાઓ પર લેવાતા અતિશય વેપાર માર્જિનને ઘટાડવાનો અને દર્દીઓ પરનો નાણાકીય બોજ હળવો કરવાનો છે.