સત્ય. સાહસ. સંકલ્પ.

દર આઠમાંથી એક કેન્સર ચેપને કારણે: આ 5 ચેપને અવગણશો નહીં

દર આઠમાંથી એક કેન્સર ચેપને કારણે: આ 5 ચેપને અવગણશો નહીં

કેન્સરનું નામ સાંભળતાં જ સામાન્ય રીતે ખરાબ જીવનશૈલી, ધૂમ્રપાન, દારૂ, બિનઆરોગ્યપ્રદ આહાર અને પ્રદૂષણ જેવા કારણો યાદ આવે છે. પરંતુ કેટલાક પ્રકારના ચેપ પણ લાંબા ગાળે કેન્સરનું જોખમ વધારી શકે છે. એક નવા અભ્યાસમાં આ અંગે મહત્વની માહિતી સામે આવી છે.

‘ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર’ (IARC)ના સંશોધન મુજબ, વિશ્વભરમાં કેન્સરના લગભગ દર આઠમાંથી એક કેસ કોઈને કોઈ ચેપ સાથે સંકળાયેલો હોઈ શકે છે. સંશોધકોના અંદાજ પ્રમાણે, 2024માં વિશ્વભરમાં કેન્સરના લગભગ 1.92 કરોડ નવા કેસ નોંધાયા હતા, જેમાંથી આશરે 23 લાખ કેસ ચેપ સાથે જોડાયેલા હતા.

સંશોધનમાં ખાસ કરીને પાંચ પ્રકારના ચેપને કેન્સર સાથે જોડવામાં આવ્યા છે. તેમાં હેલિકોબેક્ટર પાયલોરી (H. pylori), હ્યુમન પેપિલોમાવાયરસ (HPV), હેપેટાઇટિસ B, હેપેટાઇટિસ C અને એપસ્ટીન-બાર વાયરસ (EBV)નો સમાવેશ થાય છે.

H. pylori: આ એક સામાન્ય બેક્ટેરિયા છે, જે મુખ્યત્વે પેટમાં ચેપ કરે છે. દૂષિત ખોરાક કે પાણી દ્વારા તેનો ફેલાવો થાય છે. લાંબા સમય સુધી આ ચેપ રહે તો પેટના કેન્સરનું જોખમ વધી શકે છે. અભ્યાસ પ્રમાણે, 2024માં આશરે 7.6 લાખ કેન્સરના કેસ આ બેક્ટેરિયલ ચેપ સાથે સંકળાયેલા હતા, જેમાં મોટાભાગના પેટના કેન્સરના હતા. સંશોધકોના મતે H. pylori સામે અસરકારક રસી વિકસાવવા માટે હજુ વધુ સંશોધનની જરૂર છે. જો ભવિષ્યમાં આવી રસી બની શકે, તો વિશ્વભરમાં પેટના કેન્સરના કેસ ઘટાડવામાં મદદ મળી શકે.

HPV: આ એક સામાન્ય વાયરસ છે, જે શરીરની ત્વચા તેમજ મોં અને ગળા સહિતની આંતરિક સપાટીના કોષોને સંક્રમિત કરી શકે છે. ખાસ કરીને સર્વાઇકલ કેન્સરના લગભગ તમામ કેસ HPV ચેપ સાથે સંકળાયેલા હોવાનું માનવામાં આવે છે. HPVના કેટલાક પ્રકારો લાંબા સમય સુધી શરીરમાં રહે તો કોષોમાં ફેરફાર કરી શકે છે, જેના કારણે સમય જતાં કેન્સરનું જોખમ વધી શકે છે. આથી HPV સામે રસીકરણ અને નિયમિત આરોગ્ય તપાસ કેન્સરથી બચાવના મહત્વના ઉપાયો બની શકે છે.

હેપેટાઇટિસ B અને C: આ બંને વાયરસ પણ ચેપ-સંબંધિત કેન્સરના મહત્વના કારણોમાં સામેલ છે. બંને લાંબા સમય સુધી શરીરમાં રહે તો લીવરને નુકસાન પહોંચાડી શકે છે અને આગળ જઈને લીવર કેન્સરનું જોખમ વધારી શકે છે. સંશોધકોના જણાવ્યા મુજબ, હેપેટાઇટિસ સાથે સંકળાયેલા ઘણા કેન્સરના કેસોને અટકાવવાની શક્યતા છે, કારણ કે હેપેટાઇટિસ B માટે અસરકારક સારવાર ઉપલબ્ધ છે અને હેપેટાઇટિસ Cની સારવારથી મોટાભાગના દર્દીઓમાં ચેપ સંપૂર્ણપણે દૂર કરી શકાય છે.

EBV: એપસ્ટીન-બાર વાયરસ પણ ચેપ-સંબંધિત કેટલાક કેન્સર સાથે જોડાયેલો છે. આ વાયરસને સામાન્ય રીતે ‘ગ્લેન્ડ્યુલર ફીવર’ જેવી બીમારીઓ સાથે પણ જોડવામાં આવે છે.

દરેક ચેપ કેન્સરનું કારણ બને છે એવું નથી. મોટાભાગના ચેપ સામાન્ય રીતે સારવારથી નિયંત્રિત થઈ શકે છે અને દરેક વ્યક્તિને કેન્સર થાય એવું પણ નથી. જોકે, કેટલાક ચોક્કસ ચેપ લાંબા સમય સુધી શરીરમાં રહે ત્યારે કેન્સરનું જોખમ વધારી શકે છે.

The Lancet Oncologyમાં પ્રકાશિત સંશોધનમાં ચેપના નિવારણ અને નિયંત્રણ પર વધુ ધ્યાન આપવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. સંશોધકોના મતે રસીકરણ, સમયસર તપાસ, યોગ્ય સારવાર અને ચેપથી બચવાના પગલાં ભવિષ્યમાં ચેપ-સંબંધિત કેન્સરના કેસ ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેથી કોઈપણ ચેપને સામાન્ય ગણીને લાંબા સમય સુધી અવગણવો યોગ્ય નથી. સતત રહેતા અથવા વારંવાર થતા ચેપ માટે ડૉક્ટરની સલાહ લેવી અને જરૂરી તપાસ કરાવવી મહત્વનું છે.