સત્ય. સાહસ. સંકલ્પ.

કેનેરી ટાપુઓ પાસે બોટ દુર્ઘટના: 80 શરણાર્થીઓના મોતની આશંકા

કેનેરી ટાપુઓ પાસે બોટ દુર્ઘટના: 80 શરણાર્થીઓના મોતની આશંકા

સ્પેનના કેનેરી ટાપુઓ નજીક શરણાર્થીઓ ભરેલી એક બોટ સાથે ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. આ બોટ ગેમ્બિયાથી કેનેરી ટાપુઓ તરફ જઈ રહી હતી અને એટલાન્ટિક મહાસાગરમાં લગભગ 26 દિવસ સુધી રસ્તો ભટક્યા બાદ સ્પેનિશ બચાવ ટીમને મળી આવી હતી. બોટમાં સવાર 128 લોકો પૈકી આશરે 80 લોકોના મોત થયા હોવાની આશંકા છે.

સ્પેનિશ મેરીટાઇમ રેસ્ક્યુ સર્વિસ (સાલ્વામેન્ટો મેરિટિમો)ના જણાવ્યા અનુસાર, આ બોટ ગ્રેન કેનેરિયા ટાપુથી લગભગ 120 કિલોમીટર દક્ષિણે મળી આવી હતી. બચાવ ટીમે 45 લોકોને જીવિત અવસ્થામાં શોધી કાઢ્યા હતા, જ્યારે બોટ પર પાંચ મૃતદેહ પણ મળી આવ્યા હતા. ખરાબ હવામાનને કારણે મૃતદેહોને બોટ પર જ છોડી દેવા પડ્યા હતા.

જીવિત બચેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને અર્ગુઈનેગુઈન બંદર પર ઉતારીને રેડ ક્રોસ અને સ્થાનિક તંત્ર દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. મોટાભાગના જીવિત ગેમ્બિયા અને માલીના છે. અહેવાલ મુજબ, ઘણા દિવસો સુધી ભોજન અને પાણી ન મળવાને કારણે તેમણે દરિયાનું ખારું પાણી પીવું પડ્યું, જેના કારણે તેમની તબિયત વધુ ખરાબ થઈ હતી.

આફ્રિકાથી યુરોપ પહોંચવાનો કેનેરી રૂટ દુનિયાના સૌથી જોખમી દરિયાઈ માર્ગો પૈકીનો એક છે. નાની બોટમાં ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડવામાં આવે છે અને તે પલટી જવાનું જોખમ રહે છે. દર વર્ષે સેંકડો શરણાર્થીઓ આ માર્ગે ડૂબી જવાથી અથવા ભૂખ-તરસથી જીવ ગુમાવે છે. પશ્ચિમ આફ્રિકાના દેશોમાં ગરીબી અને અસ્થિરતાને કારણે લોકો વધુ સારા જીવનની શોધમાં આવા જોખમી સાહસો કરે છે.