સત્ય. સાહસ. સંકલ્પ.

કેનેડામાં વર્ક પરમિટ ધારકો હવે સ્ટડી પરમિટ વિના અભ્યાસ કરી શકશે

કેનેડામાં વર્ક પરમિટ ધારકો હવે સ્ટડી પરમિટ વિના અભ્યાસ કરી શકશે

કેનેડા સરકારે વિદેશી કામદારો માટે એક નવી અસ્થાયી જાહેર નીતિ જાહેર કરી છે. આ નીતિ હેઠળ માન્ય વર્ક પરમિટ ધરાવતા વિદેશી નાગરિકો ચોક્કસ શરતો પૂરી કરે તો અલગ સ્ટડી પરમિટ લીધા વિના અભ્યાસ કરી શકશે. આનો સૌથી વધુ ફાયદો કેનેડામાં કામ કરતા ભારતીયોને થશે.

કેનેડાના ઈમિગ્રેશન વિભાગે 9 સપ્ટેમ્બર 2026ના રોજ આ નીતિ જાહેર કરી. નવા નિયમ મુજબ વર્ક પરમિટ ધારકો નોકરીની સાથે અભ્યાસ પણ કરી શકશે. જોકે, આ સુવિધા દરેક પ્રકારના અભ્યાસક્રમ માટે લાગુ પડતી નથી.

લાભ લેવા માટે અભ્યાસક્રમનો સમયગાળો મહત્તમ છ મહિના કે તેનાથી ઓછો હોવો જોઈએ. વધુમાં, અભ્યાસ વર્ક પરમિટની માન્યતા દરમિયાન જ પૂરો થવો જરૂરી છે.

કેનેડાના ઈમિગ્રેશન અને રેફ્યુજી પ્રોટેક્શન રેગ્યુલેશન્સની કલમ 188(1)(c) હેઠળ પહેલેથી જ કેટલીક પરિસ્થિતિઓમાં વિદેશી નાગરિકોને સ્ટડી પરમિટ વિના છ મહિના કે તેનાથી ઓછા સમયનો અભ્યાસ કરવાની મંજૂરી છે. નવી જાહેર નીતિ આ નિયમને વર્ક પરમિટ ધારકો માટે વધુ સ્પષ્ટ અને વ્યવહારુ બનાવે છે.

આ નીતિ 4 સપ્ટેમ્બર 2026થી અમલમાં આવી છે અને હાલ 31 ડિસેમ્બર 2027 સુધી લાગુ રહેશે. જોકે, સરકાર કોઈપણ સમયે તેને રદ કે તેમાં ફેરફાર કરી શકે છે.

કેનેડામાં કામ કરતા ઘણા ભારતીયો નોકરીની સાથે વધારાની સ્કિલ, સર્ટિફિકેટ કે ટૂંકા ગાળાનો કોર્સ કરવા ઈચ્છે છે. નવી નીતિના કારણે તેમને અલગ સ્ટડી પરમિટ મેળવવાની પ્રક્રિયામાંથી પસાર થવું નહીં પડે. પરિણામે તેઓ નોકરી ચાલુ રાખીને પોતાનું શિક્ષણ અને કારકિર્દી આગળ વધારી શકશે.