અમેરિકા અને કેનેડા વચ્ચેનો વેપાર વિવાદ વધુ તીવ્ર બન્યો છે. દ્વિપક્ષીય વાટાઘાટો નિષ્ફળ જતાં કેનેડાએ અમેરિકન મૂળની 629 વસ્તુઓ પર 15 ટકાથી 50 ટકા સુધીનો જવાબી ટેરિફ લાદ્યો છે. આ નિર્ણય 8 સપ્ટેમ્બરની મધ્યરાત્રિથી અમલમાં આવ્યો છે.
કેનેડિયન સરકાર દ્વારા જાહેર કરાયેલા આ ટેરિફમાં સ્ટીલ, ફર્નિચર, કપડાં અને ઈલેક્ટ્રોનિક સાધનો જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. આ આયાતી સામાનનું વાર્ષિક મૂલ્ય આશરે 27.6 અબજ કેનેડિયન ડોલર (લગભગ 20 અબજ યુએસ ડોલર) થાય છે. શરૂઆતમાં 874 વસ્તુઓ પર ટેરિફ લાદવાનો પ્રસ્તાવ હતો, પરંતુ દરિયાઈ ખાદ્યપદાર્થોની કેટલીક શ્રેણીઓ બાદ કરીને આ સંખ્યા ઘટાડીને 629 કરવામાં આવી.
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ દેશના વેપારીઓ અને નાગરિકોને અમેરિકા પરની નિર્ભરતા ઘટાડવાની અપીલ કરી છે. તેમણે એક વિડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, દેશ પાસે પોતાની આર્થિક દિશા બદલવાની ક્ષમતા છે. આ બદલાવ માટે અમુક કિંમત ચૂકવવી પડશે, પરંતુ હાથ પર હાથ ધરીને બેસી રહેવાના પરિણામો વધુ ગંભીર હોઈ શકે છે.
કેનેડાના આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય મિશિગન અને ઓહાયો જેવા અમેરિકી રાજ્યોના ઉદ્યોગો પર આર્થિક અને રાજકીય દબાણ ઊભું કરવાનો છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ ગત મહિને કેનેડાના વાઇન, ફર્નિચર, ડેરી ઉત્પાદનો, સિમેન્ટ અને સ્પોર્ટ્સ સામગ્રી જેવા 20 અબજ ડોલરના સામાન પર ટેરિફ લગાવ્યો હતો, જેના જવાબમાં કેનેડાએ આ પગલું ભર્યું છે.
કેનેડા તેની કુલ નિકાસનો 68 ટકા હિસ્સો અમેરિકા મોકલે છે. બીજી તરફ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડિયન બોમ્બાર્ડિયર વિમાનો અને વાહનો પર વધુ ટેરિફ વધારવાની ચેતવણી આપી છે. આ વિવાદને કારણે ઉત્તર અમેરિકાના ત્રણેય દેશો વચ્ચેના USMCA વેપાર કરારના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે.