કેનેડાના સરે શહેરમાં આવેલા એક પંજાબી રેડિયો સ્ટેશન પર અંધાધૂંધ ગોળીબારની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, સરે સ્થિત સ્વિફ્ટ 1200 AM રેડિયો સ્ટેશનને નિશાન બનાવવામાં આવ્યું હતું. ઘટના સમયે સ્ટેશન પર લાઇવ કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ગોળીબારમાં રેડિયો સ્ટેશનની બારીઓને નુકસાન થયું છે, જોકે સદનસીબે કોઈને ઈજા થઈ નથી.
પોલીસ તપાસમાં આ ઘટનામાં 'હૂડ 420' ગેંગનું નામ સામે આવ્યું છે. તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, આ ગેંગ લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી ઢીલ્લોનના નેટવર્ક સાથે જોડાયેલી હોઈ શકે છે, અથવા તો તેમના નામનો ઉપયોગ કરીને ખંડણી વસૂલવાનો પ્રયાસ કરી રહી હોઈ શકે છે.
ઇમિગ્રેશન રેકોર્ડમાં સામે આવેલી વિગતો અનુસાર, હૂડ 420 ગેંગ સાથે સંકળાયેલા હોવાના આરોપી 25 વર્ષીય રવિન્દર સિંહના ફોનમાંથી એક ધમકીભરી નોટ મળી આવી હતી. આ નોટ રેડિયો સ્ટેશનના માલિકને મોકલવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
નોટમાં લોરેન્સ અને ગોલ્ડી ઢીલ્લોનના નામે 5 મિલિયન ડોલર, એટલે કે આશરે 41 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, નોટમાં ખંડણીની માંગ પૂરી ન કરવામાં આવે તો ગંભીર પરિણામોની ધમકી પણ આપવામાં આવી હતી. આ ધમકી બાદ 29 સપ્ટેમ્બરે રેડિયો સ્ટેશન પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.
સરે પોલીસના જણાવ્યા અનુસાર, રવિન્દર સિંહ સાથે જોડાયેલું કથિત ગુનાહિત નેટવર્ક માત્ર એક પ્રાંત સુધી મર્યાદિત નથી. તપાસમાં તેના સંબંધો ઓન્ટારિયોમાં સક્રિય એક મોટા ખંડણી નેટવર્ક સાથે હોવાની માહિતી સામે આવી છે. પોલીસના રેકોર્ડ મુજબ, આ નેટવર્ક સાથે જોડાયેલા 17 આરોપીઓ સામે 100થી વધુ ગંભીર ગુનાહિત કેસ નોંધાયેલા છે.
તપાસમાં પાર્કલેન્ડમાં થયેલા ગોળીબાર અને આલ્બર્ટામાં થયેલા આશરે 2 મિલિયન ડોલરના ખંડણી કેસ સાથે પણ સંભવિત જોડાણની તપાસ કરવામાં આવી રહી છે. રવિન્દર સિંહનો કથિત સાથી 24 વર્ષીય જગદીપ સિંહ પણ આ કેસમાં વોન્ટેડ હોવાનું જણાવાયું છે. પોલીસના જણાવ્યા અનુસાર, તે કેલગરીની એક હોસ્પિટલમાંથી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થયો હતો અને તેની સામે કેનેડા-વ્યાપી વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. અન્ય શંકાસ્પદ ઇકબાલ સિંહનું નામ પણ ઓન્ટારિયોમાં ચાલી રહેલી તપાસ સાથે જોડાયેલું હોવાનું સામે આવ્યું છે.
રવિન્દર સિંહને સંગઠિત ગુનાખોરી સાથે સંકળાયેલા કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ ઇમિગ્રેશન એન્ડ રેફ્યુજી બોર્ડ (IRB) દ્વારા તેને દેશનિકાલનો આદેશ આપવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. હાલમાં તે ઇમિગ્રેશન ડિટેન્શનમાં હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.
આ સમગ્ર મામલે રેડિયો હોસ્ટ ગિની સિમ્સે પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે જ્યાં ગુનાના મજબૂત પુરાવા ઉપલબ્ધ હોય, ત્યાં આરોપીઓ સામે કાયદા અનુસાર ઝડપી કાર્યવાહી થવી જોઈએ.
રેડિયો સ્ટેશન પર થયેલા ગોળીબાર બાદ કેનેડિયન પોલીસ અને સંબંધિત તપાસ એજન્સીઓએ તપાસ તેજ કરી છે. ઘટનાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે અને સંભવિત ખંડણી તથા ગેંગ જોડાણ અંગે પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
પોલીસે ફરાર શંકાસ્પદ આરોપીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. અધિકારીઓનું કહેવું છે કે રેડિયો સ્ટેશન પર થયેલા ગોળીબાર સહિત સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા સ્થાનિક વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા પણ વધારવામાં આવી છે.