સત્ય. સાહસ. સંકલ્પ.

કેનેડામાં PR માટે આ કોર્સ પસંદ કરો: હેલ્થકેર અને સ્કિલ્ડ ટ્રેડ્સમાં તકો વધુ

કેનેડામાં PR માટે આ કોર્સ પસંદ કરો: હેલ્થકેર અને સ્કિલ્ડ ટ્રેડ્સમાં તકો વધુ

કેનેડા ઉચ્ચ શિક્ષણ માટે ભારતીય વિદ્યાર્થીઓ સહિત વિશ્વભરના વિદ્યાર્થીઓનું પ્રિય સ્થળ છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ત્યાં નોકરી અને આગળ જતાં પરમેનન્ટ રેસિડન્સી (PR) મેળવવાની તક મોટું આકર્ષણ છે. જોકે, દરેક કોર્સ PRની બાંયધરી આપતો નથી. યોગ્ય કોર્સ અને માંગ ધરાવતા ક્ષેત્રની પસંદગી કરવાથી કેનેડામાં સ્થાયી થવાની શક્યતા વધી શકે છે.

કેનેડામાં GR પ્રક્રિયા સમજવા માટે ત્રણ મહત્વના મુદ્દા ધ્યાનમાં રાખવા જરૂરી છે. પ્રથમ, તમારો કોર્સ પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) માટે યોગ્ય હોવો જોઈએ. PGWP મળવાથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કેનેડામાં કામ કરવાનો અધિકાર મળે છે. બીજું, કોર્સ એવો હોવો જોઈએ જે કેનેડાના લેબર માર્કેટમાં માંગ ધરાવતા વ્યવસાય તરફ દોરી જાય. ત્રીજું, ભવિષ્યમાં કર્મચારીઓની અછત રહેવાની શક્યતા ધરાવતા ક્ષેત્રોમાં અભ્યાસ કરવો લાભદાયી બની શકે છે.

હાલમાં કેનેડામાં સૌથી વધુ તકો હેલ્થકેર ક્ષેત્રમાં છે. નર્સિંગમાં રજિસ્ટર્ડ નર્સ, લાઇસન્સ્ડ પ્રેક્ટિકલ નર્સ, નર્સ પ્રેક્ટિશનર જેવી ભૂમિકાઓ માટે સારી માંગ છે. ડોક્ટર અને સ્પેશિયાલિસ્ટ તરીકે જનરલ ફિઝિશિયન, ફેમિલી ડોક્ટર, સર્જન, ડેન્ટિસ્ટ, ઓપ્ટોમેટ્રિસ્ટ અને વેટરનરી ડોક્ટર માટે પણ તકો છે. એલાઇડ હેલ્થ પ્રોફેશનલ્સમાં ફિઝિશિયન આસિસ્ટન્ટ, મિડવાઇફ, ડાયટિશિયન, ન્યુટ્રિશનિસ્ટ અને સાયકોલોજિસ્ટનો સમાવેશ થાય છે. ટેક્નિકલ ક્ષેત્રે મેડિકલ લેબ ટેક્નોલોજિસ્ટ, રેડિયેશન ટેક્નોલોજિસ્ટ, કાર્ડિયોલોજી ટેક્નોલોજિસ્ટ, રેસ્પિરેટરી થેરાપિસ્ટ, ડેન્ટલ હાઇજીનિસ્ટ અને પેરામેડિકની માંગ રહે છે. સહાયક ભૂમિકાઓમાં નર્સ એડ, પેશન્ટ સર્વિસ આસિસ્ટન્ટ અને મેડિકલ લેબ આસિસ્ટન્ટ પણ મહત્વપૂર્ણ છે. સોશિયલ વર્ક અને કોમ્યુનિટી સર્વિસિસમાં સોશિયલ વર્કર, કોમ્યુનિટી સર્વિસ વર્કર અને કાઉન્સેલરની તકો છે.

હેલ્થકેર ઉપરાંત, સ્કિલ્ડ ટ્રેડ્સ ક્ષેત્રે પણ કુશળ કર્મચારીઓની માંગ છે. કારપેન્ટર, HVAC ટેક્નિશિયન જેવા વ્યવસાયોમાં તાલીમ લીધેલા લોકો માટે રોજગારની સારી તકો મળી શકે છે.