સત્ય. સાહસ. સંકલ્પ.

કેનેડામાં સૈન્ય બેઝ પર ભીષણ આગ: અનેક સૈનિકોના મોત, PM કાર્ની દુઃખી

કેનેડામાં સૈન્ય બેઝ પર ભીષણ આગ: અનેક સૈનિકોના મોત, PM કાર્ની દુઃખી

કેનેડાના અલ્બર્ટા પ્રાંતમાં આવેલા વેનરાઇટ સૈન્ય અડ્ડા પર શનિવારે ભયાનક આગ લાગી હતી. ટ્રેનિંગ એરિયામાં લાગેલી આ આગ ઝડપથી ફેલાઈ જતાં કેટલાક સૈનિકોના મોત થયા છે, જ્યારે અનેક ગંભીર રીતે દાઝી ગયા છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની સહિતના નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે.

મળતી માહિતી મુજબ, વેનરાઇટ મિલિટરી બેઝના ટ્રેનિંગ ક્ષેત્રમાં અચાનક આગ ભડકી ઊઠી હતી. તે સમયે ભારે પવન ફૂંકાઈ રહ્યો હોવાથી આગની જવાળાઓ ઝડપથી આસપાસના વિસ્તારો સુધી ફેલાઈ ગઈ હતી. બનાવની જાણ થતાં જ ઇમરજન્સી એજન્સીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા તથા જવાનોને બચાવવા મોટા પાયે રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

કેનેડાના સંરક્ષણ મંત્રી ડેવિડ મેકગિન્ટીએ ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ જણાવ્યું હતું કે, તેમણે આટલો દર્દનાક નજારો પહેલાં ક્યારેય જોયો નથી. તેમણે જવાનોના મોત અને ઇજાગ્રસ્ત થવાની પુષ્ટિ કરી હતી, જોકે મૃતકો અને ઇજાગ્રસ્તોનો સત્તાવાર આંકડો હજુ જાહેર કરાયો નથી.

આ દુર્ઘટના પર અલ્બર્ટાના પ્રીમિયર ડેનિયલ સ્મિથે પણ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. વડાપ્રધાન માર્ક કાર્નીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર, પ્રાંતીય પ્રશાસન અને સ્થાનિક તંત્ર સાથે મળીને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી રહ્યા છે. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે અલ્બર્ટા ઉપરાંત અન્ય પ્રાંતોમાંથી પણ વધારાની મદદ અને ફાયર ફાઇટિંગ ટીમો બોલાવવામાં આવી છે.

તંત્ર દ્વારા સ્થાનિક નાગરિકોને ઘટનાસ્થળ અને આસપાસના રસ્તાઓથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે, જેથી કટોકટીના વાહનો સરળતાથી અવરજવર કરી શકે. ઉપરાંત, બિનજરૂરી કારણોસર વેનરાઇટ હેલ્થ સેન્ટર તરફ ન જવાની સલાહ આપવામાં આવી છે. કેનેડિયન રોયલ માઉન્ટેડ પોલીસ (RCMP) અને સંબંધિત તપાસ એજન્સીઓએ આગ લાગવાના કારણની સઘન તપાસ શરૂ કરી છે.