સત્ય. સાહસ. સંકલ્પ.

કેનેડામાં ભારતીય મૂળની મકાનમાલિકની ધરપકડ: બીફ રાંધવાના વિવાદમાં ભાડુઆત સાથે ઝઘડો, વીડિયો વાઇરલ

કેનેડામાં ભારતીય મૂળની મકાનમાલિકની ધરપકડ: બીફ રાંધવાના વિવાદમાં ભાડુઆત સાથે ઝઘડો, વીડિયો વાઇરલ

કેનેડામાં ભારતીય મૂળની એક મકાનમાલિકની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ ભાડુઆત સાથેના વિવાદ બાદ થઈ છે. વિવાદનું કારણ ભાડુઆતે બગીચામાં બીફ રાંધવાનું હતું. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે.

ભાડુઆતનો આરોપ છે કે મકાનમાલિકે તેની પરવાનગી વગર ઘરમાં પ્રવેશ કર્યો અને તેનું જમવાનું ફેંકી દીધું. તેણે એવો પણ આરોપ લગાવ્યો કે મહિલાએ તાળા પણ બદલી નાખ્યા. આ મામલે પોલીસે ભારતીય મૂળની મહિલાની ધરપકડ કરી લીધી છે.

ઘટનાના વીડિયોમાં ભાડુઆત મકાનમાલિકને વારંવાર ત્યાંથી જવા માટે કહેતો સંભળાય છે. ભાડુઆત પોતાના મિત્ર સાથે જમી રહ્યો હતો. ધરપકડ પહેલા મહિલાએ પોતાની દીકરી સાથે વાત કરવા દેવાની અપીલ કરી હતી.

ભાડુઆતના જણાવ્યા અનુસાર, તે તેના મિત્ર સાથે બગીચામાં બાર્બેક્યુ પર રસોઈ કરી રહ્યો હતો. ત્યારે મકાનમાલિક રાજ તિવાન ત્યાં પહોંચ્યા અને તેમને રોકવા લાગ્યા. ભાડુઆતે શેર કરેલા વીડિયોમાં રાજ તિવાન દીવાલ પર પડેલા નિશાનો તરફ ઈશારો કરતા જોવા મળે છે. ભાડુઆતે તેમને ત્યાંથી જવા કહ્યું, જે બાદ બંને વચ્ચે દલીલ વધી. ભાડુઆતના મિત્રએ આખી ઘટના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી.

બીજા એક વીડિયોમાં રાજ તિવાન બાર્બેક્યુ પર રાખેલો ખોરાક હટાવતા જોવા મળે છે. ભાડુઆતે તેનો વિરોધ કર્યો અને આરોપ લગાવ્યો કે તે તેને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે. વીડિયોમાં મહિલા કહેતી સંભળાય છે કે તે પોતાની મિલકત પર તેને રસોઈ બનાવવાની પરવાનગી આપી શકતી નથી. આ પછી રાજ તિવાને પોલીસને બોલાવવાની વાત કરી. મહિલાએ ઘરની દીવાલ પર પડેલા નિશાનો અંગે પણ ભાડૂતને સવાલો પૂછ્યા.

વિવાદ બાદ ભાડૂતે 'Tiwana Farm Survivor' નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ઘણા વીડિયો પોસ્ટ કર્યા. તેનો દાવો છે કે બાર્બેક્યુને લઈને થયેલો ઝઘડો કોઈ એકલી ઘટના નહોતી. એક અન્ય વીડિયોમાં મહિલા ભાડૂતના ઘરની અંદર જતી જોવા મળે છે, જ્યાં બંને વચ્ચે ધક્કામુક્કી જેવી સ્થિતિ સર્જાય છે. ભાડૂત વારંવાર તિવાનને ઘરની બહાર જવા કહેતો રહ્યો.

ભાડૂતનો આરોપ છે કે મકાનમાલિક તેની ગેરહાજરીમાં ઘરમાં ઘૂસી અને પછી તાળા પણ બદલી નાખ્યા. વિવાદ વધતાં પોલીસ રાજ તિવાનના ઘરે પહોંચી અને તેમની ધરપકડ કરી. તેમને હાથકડી પહેરાવીને લઈ જવામાં આવ્યા. આ મામલે સામે આવેલા આરોપો ભાડુઆત તરફથી છે. રાજ તિવાનાએ આ આરોપો પર પોતાનો પક્ષ રાખ્યો છે કે નહીં, તેની માહિતી સામે આવી નથી.