કેનેડામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી થઈ છે. ત્યાંની સુરક્ષા એજન્સીઓએ ગેંગ સાથે સંકળાયેલા 200 સભ્યોને દેશ છોડવાનો આદેશ આપ્યો છે, જેમાંથી 111 લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. કેનેડા બોર્ડર સર્વિસિસ એજન્સી (CBSA) અને સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ, આંતરરાષ્ટ્રીય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ આ નેટવર્ક હવે કેનેડિયન એજન્સીઓના મુખ્ય નિશાના પર છે.
આ કાર્યવાહી વચ્ચે 25 વર્ષીય જશનદીપ સિંહનો મામલો સામે આવ્યો છે. ભારતીય નાગરિક જશનદીપ ડિસેમ્બર 2022માં વિદ્યાર્થી તરીકે કેનેડા ગયો હતો. કેનેડાના ઇમિગ્રેશન એન્ડ રેફ્યુજી બોર્ડે જુલાઈ મહિનામાં તેને દેશમાં રહેવા માટે અયોગ્ય ઠેરવી દેશનિકાલનો આદેશ આપ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે તે લોરેન્સ બિશ્નોઈના આંતરરાષ્ટ્રીય ગુનાહિત નેટવર્ક સાથે સીધો સંકળાયેલો હતો.
જશનદીપ સામે કાર્યવાહીનું મુખ્ય કારણ સોશિયલ મીડિયા પર સામે આવેલો એક વીડિયો બન્યો હતો. આ વીડિયો ઓગસ્ટ 2025માં એડમન્ટનમાં યોજાયેલી એક બર્થડે પાર્ટીનો હતો, જેમાં ગેંગનો મિડલ મેનેજર અર્શદીપ સિંહ પણ હાજર હતો. અર્શદીપ સિંહને વર્ષ 2026માં કેનેડાથી પહેલેથી જ ડિપોર્ટ કરી દેવામાં આવ્યો છે. વીડિયોમાં પાર્ટી દરમિયાન પિસ્તોલ એકબીજાના હાથમાં ફરતી જોવા મળી હતી અને ત્યારબાદ ગ્રૂપ એક ગ્રામીણ વિસ્તારમાં ગયું હતું, જ્યાં અર્શદીપ સિંહે હવામાં ઓછામાં ઓછી 5 ગોળીઓ ચલાવી હતી. પોલીસે ઘટનાસ્થળેથી વપરાયેલા કારતૂસના ખોખા કબજે કરીને તપાસ શરૂ કરી હતી.
તપાસ આગળ વધતાં સામે આવ્યું કે આ હથિયારનો ઉપયોગ બ્રિટિશ કોલંબિયાના સરે વિસ્તારમાં આવેલા એક કાફે પર થયેલા ફાયરિંગમાં થયો હતો, જે લોઅર મેઇનલેન્ડ વિસ્તારમાં ચાલી રહેલા ખંડણી નેટવર્ક સાથે જોડાયેલો કેસ હતો. ઇમિગ્રેશન સુનાવણી દરમિયાન જશનદીપે ગેંગ સાથેના સંબંધો નકાર્યા હતા અને વીડિયો અંગે અલગ-અલગ દલીલો કરી હતી, પરંતુ બોર્ડે તેના નિવેદનો અસંગત ગણી ફગાવી દીધા હતા.
કેનેડામાં બિશ્નોઈ ગેંગ પર આતંક, ખંડણી, ડ્રગ્સ અને કોન્ટ્રાક્ટ કિલિંગ જેવી ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓના આરોપ છે. સપ્ટેમ્બર 2026માં આ ગેંગ તરફથી સામે આવેલા એક કથિત પત્રમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેનેડામાં તેમના 5000 શૂટર્સ સક્રિય છે. આ ધમકી અને વધતી જતી ગુનાહિત ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને કેનેડાની સુરક્ષા એજન્સીઓએ ગેંગના નેટવર્કને તોડી પાડવા મોટા પાયે અભિયાન તેજ કર્યું છે.