કેનેડામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કેનેડાની સુરક્ષા એજન્સીઓએ ગેંગના લગભગ 200 સભ્યોને દેશ છોડવાનો આદેશ આપ્યો છે. તેમાંથી અંદાજે 111 લોકોને ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે. કેનેડિયન બોર્ડર સર્વિસીસ એજન્સીના સૂત્રો અને સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ, લોરેન્સ બિશ્નોઈ ગ્રૂપ હવે તેમની પ્રાથમિક ટાર્ગેટ યાદીમાં છે.
આ કાર્યવાહી વચ્ચે 25 વર્ષીય જશનદીપ સિંહનો કિસ્સો પણ સામે આવ્યો છે. જશનદીપ સિંહ ભારતીય નાગરિક છે અને ડિસેમ્બર 2022માં પોતાને વિદ્યાર્થી ગણાવીને કેનેડા ગયો હતો. કેનેડાના ઈમિગ્રેશન ઍન્ડ રિફ્યુજી બોર્ડે જુલાઈમાં તેને દેશમાં રહેવા માટે અયોગ્ય ઠેરવ્યો અને બહાર કાઢવાનો આદેશ આપ્યો. પોલીસનો આરોપ છે કે તેના તાર લોરેન્સ બિશ્નોઈના આંતરરાષ્ટ્રીય ગુનાહિત નેટવર્ક સાથે જોડાયેલા હતા.
જશનદીપ સિંહ સામે કાર્યવાહીનું મુખ્ય કારણ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો એક વીડિયો બન્યો છે. આ વીડિયો ઑગસ્ટ 2025માં એડમન્ટનમાં યોજાયેલી એક બર્થડે પાર્ટીનો હોવાનું કહેવાય છે. આ પાર્ટીમાં બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલો અર્શદીપ સિંહ પણ હાજર હતો. અર્શદીપ સિંહને બિશ્નોઈ ગેંગનો મિડલ મેનેજર ગણાવવામાં આવ્યો છે અને તેને 2026માં કેનેડાથી ડિપોર્ટ કરી દેવામાં આવ્યો છે.
વીડિયોમાં પાર્ટી દરમિયાન પિસ્તોલ લોકો વચ્ચે ફરતી જોવા મળે છે. ત્યારબાદ આખું ગ્રૂપ એક ગ્રામીણ વિસ્તારમાં જાય છે. અહેવાલ મુજબ, વીડિયોમાં અર્શદીપ સિંહ કથિત રીતે પિસ્તોલથી હવામાં ઓછામાં ઓછી પાંચ ગોળીઓ ચલાવતો દેખાય છે. કારની બોનેટ પર બર્થડે કેક મૂકેલી પણ નજરે પડે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી અને ઘટનાસ્થળેથી વપરાયેલા કારતૂસના ખાલી ખોખા મળી આવ્યા હતા.
તપાસ આગળ વધતાં આ હથિયારને બ્રિટિશ કોલંબિયાના સરે સ્થિત એક કેફે પર થયેલા ફાયરિંગ સાથે જોડીને જોવામાં આવ્યું. આ ફાયરિંગ કેનેડાના લોઅર મેનલૅન્ડ વિસ્તારમાં ચાલી રહેલી ખંડણી (એક્સ્ટોર્શન) રેકેટની તપાસનો એક ભાગ હતું. આ કેસમાં જશનદીપ સિંહ પણ પોલીસના રડાર પર આવી ગયો. ઇમિગ્રેશન સુનાવણી દરમિયાન તેણે બિશ્નોઈ ગેંગ સાથે કોઈ પણ સંબંધ હોવાનો ઇન્કાર કર્યો હતો અને હથિયારવાળા વીડિયોને લઈને અલગ-અલગ દલીલો આપી હતી.
અહેવાલ મુજબ, ઇમિગ્રેશન બોર્ડે તેના નિવેદનોમાં ભારે વિરોધાભાસ જોયો અને તેના દાવાને વિશ્વાસપાત્ર ન માન્યો. આ કાર્યવાહી બાદ કેનેડામાં બિશ્નોઈ ગેંગના નેટવર્કને લઈને સુરક્ષા એજન્સીઓની ચિંતા પણ ઉજાગર થઈ છે.
બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા લોકો પર આતંક, ખંડણી, ડ્રગ્સ અને કોન્ટ્રાક્ટ કિલિંગ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના ગંભીર આરોપો છે. આ દરમિયાન સપ્ટેમ્બર 2026માં ગેંગ તરફથી કથિત રીતે સામે આવેલો એક પત્ર પણ ચર્ચામાં રહ્યો હતો. આ પત્રમાં ગેંગે કેનેડામાં પોતાના 5,000 શૂટર્સ હોવાનો દાવો કર્યો હતો અને ધમકી આપી હતી કે તે ટૂંક સમયમાં જ દેશ પર કબજો કરી લેશે.