સત્ય. સાહસ. સંકલ્પ.

1 નવેમ્બરથી ફોન પર દેખાશે કોલ કરનારનું નામ, સાયબર ઠગાઈ પર લગામ

1 નવેમ્બરથી ફોન પર દેખાશે કોલ કરનારનું નામ, સાયબર ઠગાઈ પર લગામ

દૂરસંચાર વિભાગ (DoT) એ 13 ઓક્ટોબરે એક આદેશ જાહેર કર્યો છે. તે મુજબ, 1 નવેમ્બર, 2026થી દેશના તમામ મોબાઈલ ગ્રાહકો માટે કોલ કરનાર વ્યક્તિનું નામ ફોનની સ્ક્રીન પર દેખાડવું ફરજિયાત થશે. આ પગલું સાયબર ફ્રોડ અને સ્પામ કોલ્સ રોકવા માટે લેવામાં આવ્યું છે.

અત્યાર સુધી અજાણ્યા નંબર પરથી કોલ આવે ત્યારે લોકો મહત્ત્વનો કોલ સમજીને ઉપાડી લેતા હતા. ઘણીવાર તે સ્પામ કે ઠગાઈનો કોલ નીકળતો હતો. નવા નિયમ હેઠળ, કોલ કરનારના નંબર સાથે ટેલિકોમ કંપનીના સબસ્ક્રાઇબર રેકોર્ડમાં (SIM ખરીદતી વખતે) નોંધાયેલું સાચું નામ પણ સ્ક્રીન પર દેખાશે. એટલે ગ્રાહકો કોલ ઉપાડતા પહેલા જ નક્કી કરી શકશે કે ફોન ઉપાડવો કે નહીં.

આ સુવિધા ખાસ કરીને વૃદ્ધો અને ઓછું ભણેલા લોકો માટે ઉપયોગી નીવડશે. આ વર્ગના લોકો અજાણ્યા કોલ પર સહેલાઈથી વાતચીત શરૂ કરીને ઠગાઈનો ભોગ બનતા હોય છે.

જોકે, આ સેવા 2G અને 3G નેટવર્ક પર ઉપલબ્ધ રહેશે નહીં. જે ગ્રાહકો જૂના નેટવર્ક કે ફીચર ફોન વાપરી રહ્યા છે, તેમને હાલ આ સુવિધાનો લાભ મળશે નહીં. માત્ર 4G અને 5G નેટવર્કના ગ્રાહકો જ તેનો પૂરો ફાયદો લઈ શકશે.

સ્ક્રીન પર નામ દેખાવાથી સ્પામ અને સ્કેમ કોલ ઓળખવામાં મદદ મળશે, પણ તેનો અર્થ એ નથી કે નામ દર્શાવતો દરેક કોલ સલામત જ હશે. સાયબર ઠગ ખોટી ઓળખ બનાવીને પણ કોલ કરી શકે છે. તેથી ગ્રાહકોએ અજાણ્યા કોલ પર બેંક એકાઉન્ટની વિગતો, OTP કે અન્ય અંગત માહિતી ક્યારેય શેર કરવી નહીં. જરૂર પડે તો સત્તાવાર નંબર પર જાતે કોલ કરીને માહિતીની ખાતરી કરવી.