કલકત્તા હાઈકોર્ટે દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન બે માળની વ્યાપારી ઇમારત તોડી પાડવાના મામલે રાજ્ય સરકારને ઝાટકી છે. કોર્ટે અધિકારીઓને આદેશ આપ્યો છે કે તેઓ બે વર્ષમાં નવી બિલ્ડિંગ બનાવી આપે, ત્યાં સુધી અરજદારોને મફત વૈકલ્પિક રહેઠાણ પૂરું પાડે અને ₹10 લાખનું વળતર ચૂકવે. આ કાર્યવાહી પૂર્વ મેદિનીપુરમાં થઈ હતી.
જસ્ટિસ પાર્થ સારથી સેને કબિતા મન્ના અને અન્ય એક વ્યક્તિની અરજી પર સુનાવણી કરતા આ ચુકાદો આપ્યો હતો. અરજદારોનો આક્ષેપ હતો કે પૂર્વ મેદિનીપુરમાં સરકારી જમીન પરથી દબાણ દૂર કરવાના બહાને તેમની વ્યાપારી ઇમારત પણ તોડી પાડવામાં આવી હતી.
હાઈકોર્ટે તેના આદેશમાં સ્પષ્ટ કર્યું કે, રજૂ કરાયેલા પુરાવાઓ પરથી સાબિત થાય છે કે અધિકારીઓએ પોતાની નિર્ધારિત સીમાથી બહાર જઈને કાર્યવાહી કરી છે. અરજદારોની મિલકતને કોઈ પણ કાયદેસરના અધિકાર વિના તોડી પાડવામાં આવી હતી. આથી, સંબંધિત સત્તામંડળને નિર્દેશ આપવામાં આવ્યો છે કે નવી ઇમારત બનીને તેનો કબજો અરજદારોને ન સોંપાય ત્યાં સુધી તેમને તે જ વિસ્તારમાં કોઈ પણ ચાર્જ વિના વૈકલ્પિક આવાસ પૂરો પાડવામાં આવે.
આ મામલો પૂર્વ મેદિનીપુરમાં સરકારી જમીન પરના દબાણ સાથે જોડાયેલો હતો. અરજદારોએ સ્થાનિક ગ્રામ પંચાયત પાસેથી નકશો મંજૂર કરાવીને બે માળનું કોમર્શિયલ મકાન બનાવ્યું હતું અને તેમાંથી જ પોતાનો વ્યવસાય ચલાવતા હતા. સરકારી જમીન પરથી દબાણ હટાવવાના આદેશ બાદ 10 સપ્ટેમ્બર 2024 અને 17 માર્ચ 2025ના રોજ તપાસ રિપોર્ટ તૈયાર કરાયા હતા, જેમાં સરકારી પ્લોટ નંબર 1 અને 12 પર દબાણ હોવાનું જણાવાયું હતું. જોકે, અધિકારીઓએ દબાણ હટાવતી વખતે સરકારી પ્લોટની સાથે અરજદારોના પોતાના માલિકીના પ્લોટ (LR પ્લોટ નંબર 650) પર બનેલી ઇમારત પણ જમીનદોસ્ત કરી દીધી હતી.
હાઈકોર્ટે અરજી મંજૂર કરતાં આદેશ આપ્યો છે કે સત્તામંડળે મંજૂર થયેલા નકશા મુજબ બે વર્ષની અંદર અરજદારોને નવી ઇમારત બનાવીને આપવી પડશે. ગેરકાયદેસર તોડફોડ બદલ કોર્ટે અરજદારોને ₹10 લાખનું વળતર આપવાનો પણ આદેશ કર્યો છે, જે બે સરખા હપ્તામાં ચૂકવવાનું રહેશે. પ્રથમ હપ્તો ₹5 લાખ ઓક્ટોબર 2026ના અંત સુધીમાં અને બીજો હપ્તો ₹5 લાખ ફેબ્રુઆરી 2027ના અંત સુધીમાં ચૂકવવાનો રહેશે. આ ઉપરાંત, નવી બિલ્ડિંગ તૈયાર ન થાય ત્યાં સુધી અરજદારો માટે મફત વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા પણ સરકારે જ કરવાની રહેશે.