ભારતમાં હૃદય અને રક્તવાહિનીઓની બીમારીઓને કારણે થતા મૃત્યુનું પ્રમાણ ચિંતાજનક છે. અમેરિકન હાર્ટ એસોસિએશનના જણાવ્યા અનુસાર, ભારતમાં થતા દર ચાર મૃત્યુમાંથી એકનું કારણ આ બીમારીઓ છે. ઘણી વાર આ બીમારીઓની જાણ ત્યારે થાય છે જ્યારે સ્થિતિ ગંભીર બની જાય છે. પરંતુ સમયસર હૃદયરોગનું જોખમ જાણી શકાય તો? કેલ્શિયમ સ્કોર ટેસ્ટ આમાં મદદરૂપ થઈ શકે છે. આ ટેસ્ટ હૃદયની ધમનીઓમાં જમા થયેલા કેલ્શિયમને શોધી કાઢે છે, જેથી કોરોનરી આર્ટરી ડિઝીઝ (CAD)નું જોખમ વહેલું જાણી શકાય.
આ ટેસ્ટ શું છે, કોને કરાવવો જોઈએ, તેની પ્રક્રિયા શું છે અને પરિણામ કેવી રીતે સમજવું તે અંગે નોઇડાની મેટ્રો ગ્રુપ ઑફ હોસ્પિટલ્સના સિનિયર કન્સલ્ટન્ટ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ ડૉ. સમીર ગુપ્તાએ સરળ ભાષામાં માહિતી આપી છે.
કેલ્શિયમ સ્કોર ટેસ્ટ શું છે?
આ એક ખાસ પ્રકારનો સીટી સ્કેન છે, જેને કોરોનરી આર્ટરી કેલ્શિયમ (CAC) ટેસ્ટ કહેવાય છે. તે હૃદય સુધી લોહી પહોંચાડતી ધમનીઓમાં જમા થયેલી પ્લાક શોધી કાઢે છે. ધમનીઓમાં ચરબી, કોલેસ્ટ્રોલ અને કેલ્શિયમ જમા થવાથી પ્લાક બને છે. સમય જતાં આ પ્લાક કેલ્સિફાઇડ થાય છે, જેથી ધમનીઓ સાંકડી થઈ શકે છે અથવા બ્લોક થઈ શકે છે અને હાર્ટ એટેકનું જોખમ વધે છે. આ સ્કેન થોડી મિનિટોમાં ધમનીઓમાં કેટલું કેલ્શિયમ જમા થયું છે તે માપે છે અને સ્કોર આપે છે. સ્કોર જેટલો વધારે, બ્લોકેજ અને હાર્ટ એટેકનું જોખમ તેટલું વધારે.
કોને આ ટેસ્ટ કરાવવો જોઈએ?
ડૉક્ટર સામાન્ય રીતે એવા લોકોને આ ટેસ્ટ કરાવવાની સલાહ આપે છે જેમને હૃદયરોગનું જોખમ વધારે હોય. જેમ કે, જેમને કોલેસ્ટ્રોલ વધારે હોય, બ્લડ પ્રેશર હોય, ડાયાબિટીસ હોય, ધૂમ્રપાન કરતા હોય, કુટુંબમાં હૃદયરોગનો ઇતિહાસ હોય અથવા વધુ પડતું વજન હોય.
ટેસ્ટની પ્રક્રિયા શું છે?
આ નૉન-ઇન્વેસિવ સીટી સ્કેન છે. શરીર પર કોઈ ચીરો મૂકવામાં આવતો નથી અને સામાન્ય રીતે ઇન્જેક્શન કે કોન્ટ્રાસ્ટ ડાયની જરૂર પડતી નથી. દર્દીને સીટી સ્કેન ટેબલ પર પીઠના બળે સુવડાવાય છે. છાતી પર ECGના નાના પેચ લગાવાય છે જેથી સ્કેન દરમિયાન હૃદયના ધબકારા પર નજર રાખી શકાય. ટેબલ ધીમે ધીમે સ્કેનરની અંદર જાય છે અને મશીન હૃદયની તસવીરો લે છે. આ દરમિયાન થોડા સેકન્ડ માટે શ્વાસ રોકી રાખવા કહેવાય છે. તસવીરો દ્વારા ડૉક્ટર ધમનીઓમાં જમા થયેલા કેલ્શિયમનું પ્રમાણ માપે છે અને સ્કોર નક્કી કરે છે. આ ટેસ્ટમાં સામાન્ય રીતે 10-15 મિનિટ લાગે છે.
કઈ સાવચેતીઓ જરૂરી છે?
આ ટેસ્ટ માટે ખાસ તૈયારીની જરૂર હોતી નથી. લેબ સેન્ટરની સૂચનાઓનું પાલન કરવું અને ડૉક્ટરને તમારી દવાઓ તથા સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓની માહિતી આપવી જરૂરી છે.
પરિણામ કેવી રીતે સમજવું?
ટેસ્ટમાં મળતો સ્કોર 0-400 અથવા તેનાથી વધુ હોઈ શકે છે. સ્કોર વધવાની સાથે કોરોનરી આર્ટરી ડિઝીઝનું જોખમ પણ વધે છે. જો સ્કોર શૂન્ય હોય તો આગામી બે થી પાંચ વર્ષમાં હાર્ટ એટેકનું જોખમ ખૂબ ઓછું છે. તેને ‘નેગેટિવ સ્કેન’ કહેવાય છે. તેમાં ધમનીઓમાં કેલ્શિયમ હોતું નથી. જોકે, ડૉક્ટર અન્ય જોખમી પરિબળો પણ તપાસે છે.
પોઝિટિવ પરિણામ આવે તો શું કરવું?
પોઝિટિવ પરિણામનો અર્થ એ છે કે ધમનીઓમાં કેલ્શિયમ જમા થવાનું શરૂ થઈ ગયું છે. તરત જ કાર્ડિયોલોજિસ્ટની સલાહ લેવી. ડૉક્ટર જરૂરિયાત મુજબ કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર અને અન્ય તપાસ સૂચવી શકે છે. જરૂર પડ્યે કોલેસ્ટ્રોલ ઘટાડતી દવાઓ આપી શકે છે. આ સાથે ખાણીપીણીમાં ફેરફાર કરો: ફાઇબર, લીલાં શાકભાજી અને ફળોનો સમાવેશ કરો, અલ્ટ્રાપ્રોસેસ્ડ ફૂડ ટાળો. નિયમિત કસરત (ચાલવું, યોગ અથવા કાર્ડિયો) કરો. ધૂમ્રપાન અને દારૂ છોડી દો. ધ્યાન રાખો, પોઝિટિવ પરિણામનો અર્થ એ નથી કે ધમનીઓ સંપૂર્ણપણે બ્લોક થઈ ગઈ છે. આગળની સારવાર કાર્ડિયોલોજિસ્ટની સલાહ મુજબ લેવી.