સત્ય. સાહસ. સંકલ્પ.

CAITએ 'નો UPI ડે'ના સમાચારોને ગણાવ્યા ખોટા, કહ્યું- અમે આવું કોઈ એલાન કર્યું નથી

CAITએ 'નો UPI ડે'ના સમાચારોને ગણાવ્યા ખોટા, કહ્યું- અમે આવું કોઈ એલાન કર્યું નથી

દેશના સૌથી મોટા વેપારી સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ 2 ઑક્ટોબરે દેશભરમાં 'નો UPI ડે' મનાવવાના સમાચારોને ખોટા ગણાવ્યા છે. સંગઠને સ્પષ્ટ કહ્યું છે કે તેણે આવું કોઈ એલાન કર્યું નથી.

CAITએ જણાવ્યું કે ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમ ભારતની અર્થવ્યવસ્થા મજબૂત કરવા માટે જરૂરી છે અને સંગઠન તેને સમર્થન આપે છે. સંગઠનનું કહેવું છે કે તેનો વિરોધ પ્રદર્શન સાથે કોઈ સંબંધ નથી.

અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે દેશભરના વેપારીઓ અને દુકાનદારો 2 ઑક્ટોબરે UPI દ્વારા પેમેન્ટ સ્વીકારશે નહીં. સરકાર ₹2,000થી વધુના ટ્રાન્ઝેક્શન પર 0.4% ચાર્જ લગાવે તેના વિરોધમાં કેટલાક વેપારી સંગઠનોએ આ દિવસે 'નો UPI ડે' મનાવવાની જાહેરાત કરી હોવાનું કહેવાયું હતું. આ વિરોધમાં વેપારીઓ દુકાનો પર લગાવેલા UPI QR કોડ, સ્કેનર, સાઉન્ડ બોક્સ અને અન્ય ડિજિટલ પેમેન્ટ ડિવાઇસને કાળા કપડાથી ઢાંકીને પોતાનો વિરોધ નોંધાવે તેવી યોજના હોવાનું પણ કહેવાયું હતું. વેપારીઓની માંગ છે કે 15 ઑક્ટોબરથી લાગુ થનારો આ ચાર્જ સરકાર પાછો ખેંચે.

CAITએ તેના નિવેદનમાં ત્રણ મુખ્ય મુદ્દા સ્પષ્ટ કર્યા છે.

પહેલું, સંગઠને 2 ઑક્ટોબરે UPIના બહિષ્કાર કે 'નો UPI ડે' અંગે કોઈ પ્રસ્તાવ પસાર કર્યો નથી. CAITના નામે ચાલી રહેલા આવા સમાચાર સંપૂર્ણપણે ખોટા છે.

બીજું, UPI પર MDR ચાર્જના મુદ્દે કેટલાક પ્રાદેશિક કે સ્થાનિક વેપારી સંગઠનો વિરોધ પ્રદર્શન કરી શકે છે. તે તેમનો પોતાનો નિર્ણય છે અને તેને CAITનું વલણ ન સમજવું જોઈએ.

ત્રીજું, મીડિયાને અપીલ કરવામાં આવી છે કે સંગઠનના નામે કોઈપણ સમાચાર પ્રકાશિત કરતા પહેલાં સત્તાવાર સ્રોત પાસેથી તથ્યોની ખાતરી કરે. વેપારીઓ અને સામાન્ય જનતાને પણ માત્ર સત્તાવાર નિવેદનો પર જ વિશ્વાસ કરવાની સલાહ આપવામાં આવી છે.

આ પહેલાં મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ, ઇન્ડસ્ટ્રી એન્ડ એગ્રીકલ્ચર (MACCIA)ના અધ્યક્ષ રવીન્દ્ર મંગવેએ કહ્યું હતું કે આ આંદોલન ફક્ત મહારાષ્ટ્ર પૂરતું મર્યાદિત નહીં રહે, દેશભરના 500થી વધુ પ્રમુખ વેપારી સંગઠનો તેમાં ભાગ લેશે.

વેપારી સંગઠનોના વિરોધ પાછળનો તર્ક એ છે કે રિટેલ વેપારીઓ અને ડિસ્ટ્રિબ્યુટરો ઓછા માર્જિન પર કામ કરે છે. ડિજિટલ વ્યવહારો પર વધારાનો ચાર્જ લાદવાથી તેમનો ખર્ચ વધશે. તેમનું કહેવું છે કે ડિજિટલ પેમેન્ટનો હેતુ પ્રક્રિયા સરળ બનાવવાનો હોવો જોઈએ, વેપારીઓ પર બોજો નાખવાનો નહીં. UPIથી રોકડનો વપરાશ ઘટ્યો છે અને વેપારીઓ સિસ્ટમને પારદર્શક બનાવવામાં સહયોગ આપી રહ્યા છે, તેથી તેમના પર શુલ્ક લગાવવું યોગ્ય નથી. તેમની દલીલ છે કે ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાને બદલે વેપારીઓ પર ચાર્જ લગાવવો સજા જેવો છે.

નવા નિયમો અનુસાર મહિને ₹1 લાખથી વધુ UPI કલેક્શન કરતા વેપારીઓએ ₹2,000થી વધુની દરેક ચુકવણી સ્વીકારવા પર 0.4% MDR વત્તા GST ચૂકવવો પડશે. જે વેપારીઓની મહિને UPI દ્વારા કુલ કમાણી ₹1 લાખ સુધીની છે, તેમના પર કોઈ ચાર્જ લાગશે નહીં, ભલે ટ્રાન્ઝેક્શન ₹2,000થી વધુનું હોય. જો કોઈ નાનો દુકાનદાર સતત ત્રણ મહિના સુધી ₹1 લાખથી વધુ UPI કલેક્શન મેળવે, તો બેંક તેને આપમેળે 'મોટા મર્ચન્ટ' કેટેગરીમાં શિફ્ટ કરશે અને પછી તેને પણ ચાર્જ ચૂકવવો પડશે.

₹2,000 કે તેનાથી ઓછા નાના પેમેન્ટ્સ પર કોઈ ફી લાગશે નહીં. ₹75,000 કે તેનાથી મોટા ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ પાસેથી વધુમાં વધુ ₹300 વત્તા GST જ ચાર્જ લેવાશે. ₹2,000ની મર્યાદા આખા દિવસના કુલ વેચાણ પર નહીં, દરેક પેમેન્ટ પર અલગથી લાગુ થશે. પેટ્રોલ પંપ, રેલવે, બિલ પેમેન્ટ, ટેલિકોમ, ઇન્શ્યોરન્સ અને એજ્યુકેશન સાથે જોડાયેલા વેપારીઓને ₹2,000થી વધુના પેમેન્ટ પર 0.40%ને બદલે ફ્લેટ ₹5 ચૂકવવા પડશે.

ક્રેડિટ કાર્ડ (1.5%થી 2.5%) અને ડેબિટ કાર્ડ (0.90% સુધી)ની સરખામણીમાં UPI પર MDR ચાર્જ ઘણો ઓછો છે.