દેશની સર્વોચ્ચ ઓડિટ સંસ્થા કેગ (CAG)એ સોનાની શુદ્ધતા પ્રમાણિત કરતી સંસ્થા BISની કામગીરીની તપાસ કરી છે. તેમાં ખુલાસો થયો છે કે BIS હોલમાર્કવાળા સોનાની શુદ્ધતા પર યોગ્ય દેખરેખ રાખી શકી નથી. આથી ગ્રાહકો સાથે છેતરપિંડીનું જોખમ વધ્યું છે.
નિયમ મુજબ, BISએ વર્ષમાં ઓછામાં ઓછી એક વાર જ્વેલર્સની દુકાનોની તપાસ કરવી જોઈએ કે તેઓ શુદ્ધ સોનું વેચે છે કે નહીં. પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં (2020-21થી) BIS 80%થી વધુ નોંધાયેલ જ્વેલર્સની દુકાનોએ તપાસ માટે ગઈ જ નથી.
કેગના ડ્રાફ્ટ રિપોર્ટમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય તરફથી અંતિમ જવાબ મળ્યા બાદ તેને સંસદમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
આ બેદરકારી પાછળ ત્રણ કારણો છે. પ્રથમ, માત્ર લાઇસન્સ આપવામાં આવ્યાં, દેખરેખ નહીં. દેશના 392 જિલ્લાઓમાં હોલમાર્ક વગરનું સોનું વેચવું ગેરકાયદે છે, તેથી લગભગ 2.3 લાખ જ્વેલરી દુકાનોએ BISમાં નોંધણી કરાવી છે. વર્ષ 2024-25માં કુલ 28,865 લાઇસન્સધારકો હતા, જેમાંથી માત્ર 5,444ની તપાસ થઈ, એટલે કે લગભગ 81% દુકાનદારોની કોઈ તપાસ જ થઈ નથી.
બીજું, તપાસ કેન્દ્રો (AHC)ની પણ અવગણના થઈ છે. જ્યાં દાગીનાની શુદ્ધતા ચકાસીને તેમને છ અંકનો ખાસ નંબર (HUID) આપવામાં આવે છે, તેમની દેખરેખમાં પણ BIS લક્ષ્યાંકથી લગભગ 44% પાછળ રહી છે.
ત્રીજું, BISએ કર્મચારીઓની અછતનું કારણ આપ્યું છે. કેગે પૂછ્યું ત્યારે BISએ કહ્યું કે તેમની પાસે પૂરતા કર્મચારી નથી અને દૂરના વિસ્તારોમાંથી સેમ્પલ લાવવું મુશ્કેલ છે. જોકે, કેગે આ બહાનું સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.