નવી દિલ્હી: કેન્દ્ર સરકારે પેસેન્જર વાહનો માટે CAFE-3 (Corporate Average Fuel Efficiency) નિયમોની જાહેરાત કરી છે. આ નિયમો 1 એપ્રિલ 2027થી 31 માર્ચ 2032 સુધી લાગુ રહેશે. તેનો મુખ્ય ઉદ્દેશ વાહનોનું સરેરાશ માઈલેજ વધારવું અને પ્રદૂષણ ઘટાવવાનો છે.
નવા નિયમો હેઠળ ઓટો કંપનીઓએ તેમના વાહન કાફલાનું સરેરાશ કાર્બન ઉત્સર્જન 2027થી 2032 વચ્ચે 91.7 ગ્રામ પ્રતિ કિલોમીટર સુધી લાવવું પડશે. હાલમાં આ મર્યાદા 113 ગ્રામ પ્રતિ કિલોમીટર છે, એટલે કે પ્રદૂષણમાં 19% ઘટાડો કરવો પડશે. સાથે જ 2027માં કંપનીઓએ વાહનોનું સરેરાશ માઈલેજ ઓછામાં ઓછું 25 કિમી/લિટર કરવું પડશે. દર વર્ષે લક્ષ્ય કડક થતાં 2031-32 સુધીમાં તે લગભગ 30 કિમી/લિટર સુધી પહોંચવું પડશે. કંપનીઓને આ લક્ષ્ય હાંસલ કરવા 5 વર્ષનો સમય મળ્યો છે.
હાલના CAFE-2 નિયમો એપ્રિલ 2022થી લાગુ છે. તેમાં કંપની દ્વારા વેચાયેલી તમામ કારોના સરેરાશ વજન 1,082 કિલોને આધારે લક્ષ્ય નક્કી થાય છે. કંપનીઓએ સરેરાશ 20.92 કિમી/લિટર માઈલેજ અને 113 ગ્રામ પ્રતિ કિલોમીટરથી ઓછું ઉત્સર્જન જાળવવું પડે છે. નવા નિયમોમાં આ લક્ષ્ય વધુ કડક બન્યું છે.
EV અને હાઈબ્રિડ વાહનોના વેચાણને પ્રોત્સાહન આપવા સરકારે 'સુપર-ક્રેડિટ'ની જોગવાઈ કરી છે. જે કંપની વધુ ઇકો-ફ્રેન્ડલી ગાડીઓ વેચશે, તેની ગણતરીમાં તેમને વધુ ક્રેડિટ મળશે. પ્યોર ઇલેક્ટ્રિક કાર (EV)ને 3 ગણો ક્રેડિટ મળશે. દા.ત. કંપની 10,000 EV વેચે તો સરકારી ગણતરીમાં તે 30,000 ગાડીઓ ગણાશે. પ્લગ-ઇન હાઈબ્રિડ અને ફ્લેક્સ-ફ્યુઅલ હાઈબ્રિડને 2.5 ગણો, સ્ટ્રોંગ હાઈબ્રિડને 1.6 ગણો અને ફ્લેક્સ-ફ્યુઅલ કારને 1.1 ગણો ક્રેડિટ મળશે.
આનો અર્થ એ નથી કે કંપનીની દરેક કારે નિર્ધારિત માઈલેજ આપવું પડશે. કંપની દ્વારા વેચાયેલી તમામ કારો – નાની કાર, મોટી એસયુવી, હાઈબ્રિડ અને EV – નું 'કુલ સરેરાશ' (ઓવરઓલ એવરેજ) સરકારના નિયમોની મર્યાદામાં હોવું જોઈએ. તેથી કંપનીઓ પોર્ટફોલિયોમાં EV અને હાઈબ્રિડનો હિસ્સો વધારશે અને સસ્તી EV મોડલ્સ લોન્ચ કરશે. ટાટા, મહિન્દ્રા, હ્યુન્ડાઈ, મારુતિ અને એમજી વચ્ચે સ્પર્ધા વધતાં ગ્રાહકોને આક્રમક ભાવનો લાભ મળી શકે છે, જેથી EV સસ્તી થવાની શક્યતા છે.