કેન્દ્રીય કેબિનેટે ભારતીય રેલવેના આધુનિકીકરણ માટે રૂ. 10,783 કરોડના 7 પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સ હેઠળ 656 કિલોમીટર નવી રેલ લાઇનો જોડાશે અથવા અપગ્રેડ થશે. દિલ્હી-મુંબઈ સહિતના દેશના 7 વ્યસ્ત કોરિડોરને ચાર-લેન (મલ્ટી-ટ્રેક) બનાવવાની મંજૂરી આપવામાં આવી છે.
આ પ્રોજેક્ટ્સથી પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ એમ 5 રાજ્યોના 14 જિલ્લાઓમાં રેલ નેટવર્ક વિસ્તરશે. આનાથી આ વિસ્તારના આશરે 4,790 ગામોના લગભગ 56 લાખ લોકોને સીધો ફાયદો થવાનો અંદાજ છે.
સરકાર દેશના 7 સૌથી વ્યસ્ત રેલવે કોરિડોરને ચાર-લેન અને ચાર-ટ્રેકવાળા બનાવવાનું કામ કરી રહી છે. આ પ્રોજેક્ટ્સ પાછળ અંદાજે 10,783 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આમાં દિલ્હી-મુંબઈ, મુંબઈ-ચેન્નઈ, ચેન્નઈ-કોલકાતા, કોલકાતા-દિલ્હી, દિલ્હી-ચેન્નઈ, મુંબઈ-કોલકાતા અને દિલ્હી-ગુવાહાટી જેવા રૂટનો સમાવેશ થાય છે.
આ પૈકી ઘણા કોરિડોર પર કામ પહેલેથી જ શરૂ થઈ ચૂક્યું છે. દેશના કુલ 11,000 કિલોમીટરના હાઇ-ડેન્સિટી કોરિડોર પૈકી 7 કોરિડોર પર રેલવેનું લગભગ 40 ટકા ટ્રાફિક ચાલે છે. આમાંથી આશરે 2,000 કિલોમીટરનું કામ પૂરું થઈ ચૂક્યું છે, 5,000 કિલોમીટર પર કામ ચાલી રહ્યું છે અથવા મંજૂરી મળી ચૂકી છે, જ્યારે બાકીના 4,000 કિલોમીટર માટે અંતિમ મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી છે.
સરકારે ખડગપુર-ઝારસુગુડા સેક્શનમાં બાગડેહી સુધી ચોથી લાઇન, કટની-પેંડ્રા રોડ ચોથી લાઇન અને બિલસપુર (ઉસલાપુર)-પેંડ્રા રોડ ત્રીજી લાઇનને મંજૂરી આપી છે. આ લાઇનોના મલ્ટી-ટ્રેકિંગથી વર્તમાન રેલ રૂટ પર ટ્રેનો માટે વધારાની ક્ષમતા ઊભી થશે.
નવી રેલ લાઇનોથી હાલના રૂટ પર ટ્રેનોનું ભારણ અને ટ્રાફિક જામની સમસ્યા ઘટશે. માલગાડીઓ અને મુસાફર ટ્રેનોની અવરજવર વધુ વ્યવસ્થિત બનશે, જેનાથી ટ્રેનો સમયસર દોડી શકશે અને માલસામાનની હેરફેર પણ ઝડપી બનશે.
નવી રેલ લાઇનો અને મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને કારણે ઓડિશાનું તારાતારિણી મંદિર, ઝારસુગુડાનું જગન્નાથ મંદિર, મધ્ય પ્રદેશનું બાંધવગઢ ટાઇગર રિઝર્વ, વિરાટેશ્વર મહાદેવ મંદિર, અમરકંટક, જ્વાલેશ્વર ધામ, અચાનકમાર ટાઈગર રિઝર્વ, ખુટાઘાટ ડેમ તેમજ રતનપુર મહામાયા મંદિર જેવા પ્રખ્યાત પ્રવાસન અને ધાર્મિક સ્થળોની કનેક્ટિવિટી સુધરશે અને પ્રવાસનને વેગ મળશે.