ગુજરાતના BZ ગ્રૂપના પોન્ઝી સ્કીમ કૌભાંડમાં ક્રિકેટરો સાથે કરોડોની છેતરપિંડીનો મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. હર્ષલ પટેલ, રાહુલ તેવટિયા અને જયંત યાદવ જેવા ક્રિકેટરોએ આ સ્કીમમાં કરોડોનું રોકાણ કર્યું હતું, પરંતુ નિયત સમયે વળતર મળ્યું નહીં.
ક્રિકેટરોના વકીલ કિશન ચકવાવાલાએ હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે બોડકદેવ પોલીસ સ્ટેશન સહિત સંબંધિત અધિકારીઓ સમક્ષ લેખિત ફરિયાદો કરવા છતાં યોગ્ય કાયદાકીય કાર્યવાહીમાં જાણી જોઈને વિલંબ કરવામાં આવી રહ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે આટલા મોટા કૌભાંડના મુખ્ય જવાબદારો સામે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.
આ કેસમાં IPL ફ્રેન્ચાઇઝી 'ગુજરાત ટાઇટન્સ'ના પૂર્વ મેનેજર ધવલ શાહ, તેમના પત્ની પુનિતા શાહ અને વિરલ શાહની ભૂમિકા શંકાસ્પદ મનાય છે. આક્ષેપ છે કે ધવલ શાહે ક્રિકેટ જગતમાં તેમના હોદ્દા અને સંબંધોનો લાભ લઈને ભૂપેન્દ્ર ઝાલા માટે રોકાણકારોનો વિશ્વાસ જીત્યો હતો અને ટૂંકા ગાળામાં ઊંચા વળતરની લાલચ આપીને કરોડોનું રોકાણ કરાવ્યું હતું.
અગાઉ પણ ગુજરાત હાઈકોર્ટે પોલીસને ફરિયાદો અંગે ત્વરિત નિર્ણય લેવા આદેશ આપ્યો હતો. હવે BZ ફાઇનાન્શિયલ સર્વિસિસ સામે નોંધાયેલી ફરિયાદમાં ધવલ શાહ, પુનિતા શાહ અને વિરલ શાહને આરોપી તરીકે કેમ સામેલ કરવામાં આવ્યા નથી, તે અંગે હાઈકોર્ટે CID ક્રાઇમ પાસે સ્પષ્ટ ખુલાસો માંગ્યો છે. આગામી સુનાવણીમાં તપાસની પ્રગતિ અને સંબંધિત અધિકારીઓની ઉપસ્થિતિ બાબતે કડક સૂચના અપાઈ છે, જેથી આગળના દિવસોમાં નવા ખુલાસા થવાની સંભાવના છે.