ચીનની ઓટોમોબાઇલ કંપની BYD તેની પ્રીમિયમ ઇલેક્ટ્રિક કાર ડેન્ઝા Z9 GTને 13 નવેમ્બરે ભારતીય બજારમાં લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ આ કારને લક્ઝરી અને પ્રીમિયમ સેગમેન્ટમાં મૂકી છે.
ડેન્ઝા Z9 GTમાં ત્રણ ઇલેક્ટ્રિક મોટર્સ આપવામાં આવ્યા છે, જે મળીને 1,156 hpની પાવર અને 1,210 Nmનો ટોર્ક ઉત્પન્ન કરે છે. કંપનીના દાવા મુજબ, આ કાર 2.7 સેકન્ડમાં 0થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે અને તેની ટોપ સ્પીડ 270 કિમી પ્રતિ કલાક છે.
કારમાં 122.5 kWh ક્ષમતાનો બેટરી પેક છે. WLTP સાયકલમાં તે 600 કિલોમીટર સુધીની રેન્જ આપે છે. કંપનીનો દાવો છે કે 1,500 kWની અલ્ટ્રા-ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજીથી બેટરી 10થી 97 ટકા સુધી માત્ર 9 મિનિટમાં ચાર્જ થઈ શકે છે.
ઇન્ટિરિયરમાં 17.3-ઇંચની સેન્ટ્રલ સ્ક્રીન સહિત કુલ 5 ડિજિટલ ડિસ્પ્લે, 20-સ્પીકરવાળું દેવિયાલે સાઉન્ડ સિસ્ટમ, ઇન-બિલ્ટ રેફ્રિજરેટર, પેનોરેમિક ગ્લાસ રૂફ, હીટેડ/વેન્ટિલેટેડ અને મસાજ સીટ્સ તેમજ લેવલ 2+ ADAS સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે.
કારમાં રિયર-વ્હીલ સ્ટીયરીંગ સિસ્ટમ પણ છે, જેનાથી ક્રેબ-વોક અને 360-ડિગ્રી કંપાસ ટર્ન જેવા ફીચર્સ મળે છે. આનાથી કારને સાંકડી જગ્યાએ સરળતાથી વાળીને પાર્ક કરી શકાય છે.
ભારતમાં આ કારની સંભવિત કિંમત 1.2 કરોડથી 1.5 કરોડ રૂપિયા વચ્ચે હોઈ શકે છે.