સત્ય. સાહસ. સંકલ્પ.

ગ્વાલિયર-ભોપાલ બસમાં આગ: 25 મુસાફરો બચ્યા, સામાન બળીને ખાખ

ગ્વાલિયર-ભોપાલ બસમાં આગ: 25 મુસાફરો બચ્યા, સામાન બળીને ખાખ

મધ્યપ્રદેશના ગ્વાલિયરથી ભોપાલ જતી ખાનગી બસમાં શનિવારે રાત્રે અચાનક આગ લાગી હતી. આ ઘટના ગ્વાલિયરના ચેતકપુરી વિસ્તારમાં વિવેકાનંદ તિરાહા પાસે બની હતી. બસમાં લગભગ 25 મુસાફરો સવાર હતા. આગ ફેલાતાં જ મુસાફરોએ બસમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મુસાફરોનો સામાન બળીને ખાખ થઈ ગયો છે.

આગ લાગતાં જ બસમાં ભારે ગભરાટ ફેલાયો હતો. એક માતા પોતાની નાની બાળકીને તેડીને ભાગવા દોડી હતી, પરંતુ ગભરાટમાં તે ગબડી પડી હતી. ત્યારબાદ લોકો તેને કચડીને ભાગતા હોવાનું જોવા મળ્યું હતું. બસમાંથી નીકળતી ચીસો અને નાસભાગ જોઈને સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા અને માતા-બાળકી સહિત અન્ય મુસાફરોને બચાવવામાં મદદ કરી હતી.

ઘટના બાદ મુસાફરોએ બસના ડ્રાઈવર અને ક્લિનર પર ગંભીર આરોપ લગાવ્યા છે. મુસાફરોના જણાવ્યા મુજબ, બસમાં ટેકનિકલ સમસ્યા હતી અને મુસાફરી શરૂ કરતા પહેલાં સ્ટાફે બસનું રિપેરિંગ પણ કરાવ્યું હતું. જ્યારે બસમાંથી ધુમાડો નીકળતો જોયો ત્યારે ડ્રાઈવર અને ક્લિનરે મુસાફરોને જાણ કર્યા વિના જ કૂદીને પોતાનો જીવ બચાવી લીધો હતો. તેમને કૂદતા જોઈને મુસાફરોમાં ગભરાટ વધુ ફેલાયો હતો.

આસપાસથી પસાર થઈ રહેલા લોકો, વાહનચાલકો અને કેટલાક પોલીસકર્મીઓએ મુસાફરોને બસમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી. તેમણે શરૂઆતમાં આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ પણ કર્યો હતો. બાદમાં ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે ત્યાં સુધીમાં બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.

નોંધનીય છે કે આ પહેલાં વર્ષ 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન મધ્ય પ્રદેશના બેતુલ જિલ્લામાં ઈવીએમ અને ચૂંટણી કર્મચારીઓને લઈને પરત ફરી રહેલી બસમાં પણ આગ લાગી હતી. જોકે તે ઘટનામાં પણ કોઈ જાનહાનિ થઈ ન હતી.