સત્ય. સાહસ. સંકલ્પ.

IND vs AFG: બુમરાહની બોલિંગમાં લાંબા રન-અપનો નવો પ્રયોગ, ઈજા બાદ પ્રેક્ટિસમાં વાપસી

IND vs AFG: બુમરાહની બોલિંગમાં લાંબા રન-અપનો નવો પ્રયોગ, ઈજા બાદ પ્રેક્ટિસમાં વાપસી

બે મહિનાના વિરામ બાદ જસપ્રીત બુમરાહે ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સત્રમાં વાપસી કરી છે. નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાયેલા આ સત્રમાં તેની બોલિંગ પહેલાની જેમ જ ઝડપી અને ધારદાર રહી હતી. તેણે વૈભવ સૂર્યવંશીથી લઈને શ્રેયસ અય્યર સુધીના બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂક્યા હતા. પરંતુ સૌથી વધુ ચર્ચા તેના બદલાયેલા રન-અપની થઈ રહી છે.

એક અહેવાલ મુજબ, પ્રેક્ટિસ દરમિયાન બુમરાહે મોટાભાગના સમયે સામાન્ય કરતાં લાંબા રન-અપ સાથે બોલિંગ કરી હતી. સામાન્ય રીતે બુમરાહ ક્રીઝ તરફ આવતા પહેલાં થોડાં જ પગલાં લે છે. જ્યારે આ વખતે તેણે રન-અપમાં થોડાં વધારાનાં પગલાં ઉમેર્યાં હતા. કેટલાક પ્રસંગોએ તેનો રન-અપ અર્શદીપ સિંહ કરતાં પણ લાંબો જોવા મળ્યો હતો. જોકે, તેણે પોતાના નિયમિત રન-અપ સાથે પણ બોલિંગ કરી હતી.

બુમરાહે લાંબો રન-અપ કેમ અપનાવ્યો, તે અંગે હજુ કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. ઈજામાંથી વાપસી બાદ આ કોઈ ખાસ સલાહ કે પુનર્વસન યોજનાનો ભાગ છે કે નહીં, તે પણ સ્પષ્ટ નથી. બુમરાહને અગાઉ પણ રન-અપમાં ફેરફાર કરવાની સલાહ મળી ચૂકી છે. તેની પીઠમાં થતો તાણ અને વારંવાર થતી નો-બોલની સમસ્યા જેવા કારણો ચર્ચામાં રહ્યા છે.

હવે સૌથી મોટો સવાલ એ છે કે અફઘાનિસ્તાન સામેની પ્રથમ T20 મેચમાં બુમરાહ આ લાંબા રન-અપ સાથે જ બોલિંગ કરશે કે પોતાના જૂના અંદાજમાં પરત ફરશે. તેના આ નવા પ્રયોગ સામે બધાની નજર રહેશે.