અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની T20 શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ઝડપી બોલર જસપ્રીત બુમરાહની ફિટનેસ એક મોટો પ્રશ્ન છે. બુમરાહની ટીમમાં પસંદગી કરવામાં આવી છે, પરંતુ તે ત્રણેય મેચ રમશે કે નહીં, તેનો નિર્ણય ફિટનેસ ટેસ્ટ બાદ લેવાશે.
સૂત્રો અનુસાર, બુમરાહને દિલ્હીમાં ટીમ સાથે જોડાતા પહેલાં મેચ સિમ્યુલેશન ટેસ્ટમાંથી પસાર થવું પડશે. આ ટેસ્ટમાં તેની મેચ રમવાની ક્ષમતા અને ફિટનેસનું મૂલ્યાંકન કરવામાં આવશે. બુમરાહ ઉપરાંત નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર અને હર્ષિત રાણા પણ આ ટેસ્ટમાંથી પસાર થશે.
BCCIની મેડિકલ ટીમે આ ચારેય ખેલાડીઓને તબીબી રીતે ફિટ ગણાવ્યા છે, પરંતુ મેચ જેવી પરિસ્થિતિમાં તેમનું મૂલ્યાંકન જરૂરી માનવામાં આવ્યું છે. સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા 4થી 9 સપ્ટેમ્બર દરમિયાન આ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
જો બુમરાહ આ પરીક્ષણમાં સંપૂર્ણ રીતે સફળ નહીં થાય અથવા કોઈ અન્ય કારણસર રમવા માટે ઉપલબ્ધ નહીં હોય, તો યુવાન ઝડપી બોલર પ્રિન્સ યાદવને ટીમમાં તક મળી શકે છે. પસંદગીકારોએ બુમરાહના બેકઅપ તરીકે પ્રિન્સને તૈયાર રાખ્યો છે.
પ્રિન્સ યાદવ અગાઉ હેમસ્ટ્રિંગની ઈજાથી પરેશાન હતો, પરંતુ હવે તે સંપૂર્ણ રીતે ફિટ હોવાનું માનવામાં આવે છે. અફઘાનિસ્તાન સામેની ત્રણેય T20I મેચ 13 સપ્ટેમ્બરથી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.