અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ભૂકંપ સામે મુસાફરોની સુરક્ષા માટે જાપાનની શિંકાનસેન હાઈસ્પીડ રેલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. 508 કિલોમીટર લાંબા કોરિડોર પર કુલ 28 સિસ્મોમીટર લગાવવામાં આવશે, જેમાંથી 6 સિસ્મોમીટર ગુજરાત અને મહારાષ્ટ્રના ભૂકંપ સંવેદનશીલ વિસ્તારોમાં સ્થાપિત કરાશે.
આ સિસ્મોમીટર ભૂકંપની શરૂઆતમાં જ જમીનમાં ઉત્પન્ન થતી પ્રાથમિક 'પી' વેવને ઝડપથી ઓળખી લેશે. સંકેત મળતાં જ અર્લી અર્થક્વેક ડિટેક્શન સિસ્ટમ સક્રિય થશે, જે અસરગ્રસ્ત વિભાગમાં ટ્રેનનો વીજ પુરવઠો આપોઆપ બંધ કરી દેશે. આ સાથે ઇમરજન્સી બ્રેકિંગ સિસ્ટમ 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેનને સુરક્ષિત રીતે રોકી દેશે.
જાપાનની આ અદ્યતન ટેક્નોલોજી પર આધારિત વ્યવસ્થા ભૂકંપની ગંભીર અસરો પહેલાં જ ટ્રેનને અટકાવી મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરશે. અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ સેવા દેશના રેલવે ઇતિહાસમાં મોટું સીમાચિહ્ન બનશે.