પૂર્વીય બલ્ગેરિયાના A1 હાઈવે પર મંગળવારે ગાઢ ધુમ્મસને કારણે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં લગભગ 50 વાહનો એકબીજા સાથે અથડાયા હતા, જેમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે અને લગભગ 50 લોકો ઘાયલ થયા છે.
આ અકસ્માત રાજધાની સોફિયાને પૂર્વીય શહેર બર્ગાસ સાથે જોડતા મુખ્ય A1 હાઈવે પર થયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને રાહત કાર્ય શરૂ કર્યું હતું.
સ્થાનિક મીડિયામાં આવેલા દ્રશ્યો અનુસાર હાઈવેની છ લેન પર કાર અને ટ્રકોના ઢગલા જોવા મળ્યા હતા. ઘણાં વાહનો ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થયાં હતાં, કેટલાંક પલટી ખાઈ ગયાં હતાં અને કેટલાંક રસ્તાની બાજુમાં નીચે ઉતરી ગયાં હતાં.
બલ્ગેરિયાના ગૃહ મંત્રાલયની માહિતી મુજબ અકસ્માતમાં ઘાયલ થયેલા 50 લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બચાવ દળના જવાનો ઘટનાસ્થળે ઈજાગ્રસ્તોને મદદ પહોંચાડવા અને પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા માટે સતત કામ કરી રહ્યા છે.
યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેનની બલ્ગેરિયા મુલાકાત દરમિયાન વડાપ્રધાન રુમેન રાદેવે એક નિવેદન જારી કરીને આ ઘટનાને મોટી દુર્ઘટના ગણાવી હતી. તેમણે જણાવ્યું કે ગંભીર રીતે ઘાયલ લોકોને ઝડપથી હોસ્પિટલ પહોંચાડવા માટે વિશેષ વિમાનો તૈનાત કરવામાં આવ્યાં છે. તેમણે જાતે ઘટનાસ્થળની મુલાકાત લેવાની યોજના પણ જાહેર કરી છે.
અકસ્માતના ચોક્કસ કારણો અંગે હજુ સુધી વિસ્તૃત સત્તાવાર અહેવાલ બહાર આવ્યો નથી. જોકે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઘટના સમયે હાઈવેના તે ભાગમાં અત્યંત ગાઢ ધુમ્મસ છવાયેલું હતું, જેના કારણે વિઝિબિલિટી ઘટી જતાં વાહનો એકબીજા સાથે અથડાઈ ગયાં હતાં.