ઉત્તર પ્રદેશના બુલંદશહેર જિલ્લામાં અલીગઢ રોડ પર ડુપ્તાકલાં પુલ પાસે શુક્રવારે બપોરે ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. ગંગા સ્નાન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રેક્ટર-ટ્રોલીને બાજુમાંથી પસાર થઈ રહેલા અન્ય ટ્રેક્ટરે ટક્કર મારતાં ટ્રોલી પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં ટ્રોલીમાં સવાર આશરે 35 શ્રદ્ધાળુઓમાંથી 20 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમાં 17 મહિલાઓ અને 3 પુરુષોનો સમાવેશ થાય છે.
બુલંદશહેરના મોહમ્મદપુર ખુર્દ ગામના રહેવાસીઓ નગરકોટ વાળી દેવીના દર્શન અને અનૂપશહેરમાં ગંગા સ્નાન પૂરું કરીને ટ્રેક્ટર-ટ્રોલી દ્વારા પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. બપોરે આશરે 4 વાગ્યે જ્યારે ટ્રોલી અલીગઢ રોડ પર પહોંચી, ત્યારે બાજુમાંથી પસાર થઈ રહેલા એક અજાણ્યા ટ્રેક્ટર ચાલકે ટ્રોલીને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બંને વાહનો વચ્ચે જોરદાર ટક્કર થઈ જતાં ટ્રોલી અનિયંત્રિત થઈને રસ્તાની બાજુમાં પલટી મારી ગઈ હતી અને શ્રદ્ધાળુઓ રસ્તા પર ફેંકાઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ અનૂપશહેર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલ પહોંચાડ્યા હતા. હોસ્પિટલમાં 10 દર્દીઓની સ્થિતિ ગંભીર જણાતાં તેમને હાયર સેન્ટર રેફર કરવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જ અનૂપશહેરના એસડીએમ મનીષ કુમાર, તહસીલદાર પ્રિયા દેવી અને સીઓ શશાંક શ્રીવાસ્તવ પોલીસ કાફલા સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા અને તમામ મેડિકલ સ્ટાફને તાત્કાલિક ઈમરજન્સી ડ્યૂટી પર તહેનાત કરી ઘાયલોની સારવાર શરૂ કરાવી હતી. અધિકારીઓએ પીડિતોને ઝડપી અને યોગ્ય સારવાર મળી રહે તેની વ્યવસ્થા કરી છે.