સત્ય. સાહસ. સંકલ્પ.

બુલંદશહરમાં આકાશમાંથી 50 કિલો બરફનો ટુકડો પડતાં ચકચાર, કૃષિ વિજ્ઞાન કેન્દ્રે શરારતની શંકા વ્યક્ત કરી

બુલંદશહરમાં આકાશમાંથી 50 કિલો બરફનો ટુકડો પડતાં ચકચાર, કૃષિ વિજ્ઞાન કેન્દ્રે શરારતની શંકા વ્યક્ત કરી

બુલંદશહર (ઉત્તર પ્રદેશ): ઉંચાગાંવ વિસ્તારના રોસલા ગામમાં મંગળવારે સવારે આકાશમાંથી અચાનક લગભગ 50 કિલો વજનનો બરફનો ટુકડો પડ્યો હતો. આ ઘટનાથી ગામમાં આશ્ચર્ય સાથે ભય પણ ફેલાયો હતો. જોકે, સ્થાનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પ્રભારીએ આ ઘટનાને શંકાસ્પદ ગણાવી છે.

ગામના રામસિંહના પુત્ર હરિયાના ઘરે ખીલે બંધાયેલા પશુઓ વચ્ચેની જગ્યામાં સવારે 11:45 વાગ્યાના સુમારે આ બરફનો ટુકડો પડ્યો હતો. ટુકડો પડવાનો અવાજ એટલો જોરદાર હતો કે આસપાસના લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. ઘટનાસ્થળે પહોંચતા લોકોએ જોયું કે પશુઓની આસપાસ બરફના મોટા ટુકડા વિખરાયેલા પડ્યા હતા. જેમ જેમ લોકો એકઠા થયા તેમ તેમ ચર્ચા વધતી ગઈ હતી.

ગ્રામજનોએ જણાવ્યું કે તે સમયે આકાશ તદ્દન સાફ હતું. ન વરસાદ પડી રહ્યો હતો કે ન બરફ. આવા સ્વચ્છ હવામાનમાં અચાનક બરફના આટલા મોટા ટુકડાનું આકાશમાંથી પડવું દરેકને આશ્ચર્યમાં મૂકી દેનારું હતું. કેટલાક લોકો તેને વિમાનમાંથી પડેલો બરફનો ટુકડો માની રહ્યા છે, તો કેટલાક તેને પ્રાકૃતિક ઘટના ગણાવી રહ્યા છે.

અત્રેના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પ્રભારી ડો. રીશુ સિંહે જણાવ્યું કે હાલમાં એવી અસાધારણ ઋતુ નથી. આકાશ સ્વચ્છ છે અને ઝાકળ પણ નથી. આથી બરફનો ટુકડો પડવાની ઘટના શંકાસ્પદ જણાય છે. કોઈ અસામાજિક તત્વની શરારત પણ હોઈ શકે છે, એમ તેમણે શંકા વ્યક્ત કરી હતી.