જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં સુરક્ષાદળોએ શુક્રવારે કરેલી કાર્યવાહીમાં એક આતંકવાદી ઠાર મરાયો છે. સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને કેન્દ્રીય અનામત પોલીસ દળ (CRPF)ના સંયુક્ત ઓપરેશન દરમિયાન આતંકીઓ સામેથી ગોળીબાર કરતાં જવાનોએ વળતો પ્રહાર કર્યો હતો.
ગુપ્ત માહિતી મળ્યા બાદ પુલવામાના પખેરપોરા વિસ્તારમાંથી યુસમર્ગ તરફ આતંકવાદીઓની હિલચાલ હોવાની ચોક્કસ બાતમી સુરક્ષાદળોને મળી હતી. જેના આધારે બડગામના અશદાર ગલી જંગલ વિસ્તારમાં સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. ચિનાર કોર્પ્સના જણાવ્યા અનુસાર, જંગલમાં સંદિગ્ધ હિલચાલ જોતાં જવાનોએ પડકાર ફેંક્યો હતો, જે બાદ આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો.
અથડામણમાં એક આતંકવાદીને ઘટનાસ્થળે જ ઠાર મારવામાં આવ્યો હતો. આગળની કાર્યવાહીમાં સ્થળ પરથી એક AK-47 રાઈફલ સહિતનો હથિયાર-દારૂગોળો જપ્ત કરાયો છે. માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ સ્થાપિત કરવા કાનૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ઘટના સ્થળે હજુ પણ એક વધુ આતંકવાદી છુપાયેલો હોવાની આશંકા છે, જેથી સમગ્ર જંગલ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન વધુ તેજ કરવામાં આવ્યું છે. કાશ્મીર ખીણમાં ઘણા મહિનાની શાંતિ પછી આ બનાવ બન્યો છે, એટલે સમગ્ર પંથકમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.