સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ (ભારત સંચાર નિગમ લિમિટેડ)એ તેના વપરાશકર્તાઓ માટે બે નવા રિચાર્જ પ્લાન રજૂ કર્યા છે. આ પ્લાનમાં રિચાર્જ સાથે વીમો અને સાયબર સુરક્ષા પણ મળશે. કંપનીએ તેના અધિકૃત X (પહેલાં ટ્વિટર) હેન્ડલ પર આ જાહેરાત કરી છે.
આ ઓફર હેઠળ ગ્રાહકોને ₹1 લાખ સુધીનો વ્યક્તિગત અકસ્માત વીમો અને ₹10,000નું સાયબર ફ્રોડ કવરેજ આપવામાં આવશે. આ વીમો રોડ અકસ્માત, દાઝી જવાથી થયેલી ઈજા, સાપ કરડવો, વીજળી પડવી અને ઇલેક્ટ્રિક શોક જેવી આકસ્મિક ઘટનાઓમાં આર્થિક મદદ પૂરી પાડશે. સાયબર કવરેજ ઓનલાઈન છેતરપિંડી સામે રક્ષણ આપશે.
આ સુવિધા બે પ્લાનમાં ઉપલબ્ધ છે:
₹202નો પ્રીપેડ પ્લાન: આ પ્લાનની માન્યતા 32 દિવસની છે. તેમાં 300 મિનિટ વોઇસ કૉલિંગ, 5GB હાઇ-સ્પીડ ડેટા, 100 મફત SMS અને સમગ્ર ભારતમાં મફત રાષ્ટ્રીય રોમિંગ મળશે.
₹2449નો વાર્ષિક પ્લાન: આ પ્લાન 365 દિવસ માટે માન્ય છે. તેમાં કોઈપણ નેટવર્ક પર સમગ્ર ભારતમાં અમર્યાદિત વોઇસ કૉલિંગ, રોજ 2GB હાઇ-સ્પીડ ડેટા, રોજ 100 મફત SMS અને મફત રાષ્ટ્રીય રોમિંગ મળશે.
આ ઉપરાંત, બીએસએનએલએ તેનો લોકપ્રિય ₹51નો પ્લાન ફરીથી શરૂ કર્યો છે. આ પ્લાનમાં 28 દિવસની માન્યતા, રોજ 2GB હાઇ-સ્પીડ ડેટા, અમર્યાદિત વોઇસ કૉલિંગ અને રોજ 100 મફત SMS મળશે.