સરકારી ટેલિકોમ કંપની BSNLએ તેની 51 રૂપિયાની પ્રીપેડ ઓફર 31 ઓક્ટોબર સુધી લંબાવી છે. આ ઓફરમાં ગ્રાહકોને 28 દિવસની વેલિડિટી સાથે અનલિમિટેડ કૉલિંગ, દરરોજ 2GB ડેટા અને દરરોજ 100 SMS મળે છે. કંપનીએ તેના સત્તાવાર X (અગાઉનું ટ્વિટર) હેન્ડલ પરથી આ જાહેરાત કરી છે.
આ પ્લાન ખાસ કરીને નવા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. પ્લાનમાં મળતા 2GB રોજના ડેટાનો અર્થ એ થાય કે સમગ્ર 28 દિવસ દરમિયાન કુલ 56GB ડેટા મળશે. આ ઉપરાંત, BSNL આ પ્લાન પસંદ કરનારા ગ્રાહકોને મફતમાં સિમ કાર્ડ પણ આપી રહી છે.
પ્લાનની અન્ય વિશેષતા એ છે કે તેમાં સમગ્ર ભારતમાં કોઈપણ નંબર પર અનલિમિટેડ કૉલિંગ અને મફત નેશનલ રોમિંગની સુવિધા મળે છે. BSNLના ગ્રાહકો દેશમાં ગમે ત્યાંથી આ પ્લાનનો ઉપયોગ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, BSNLએ ગયા ઓગસ્ટમાં 'ફ્રીડમ ઓફર' હેઠળ 1 રૂપિયાનો પ્લાન રજૂ કર્યો હતો, જેમાં 24 દિવસની વેલિડિટી સાથે અમર્યાદિત કૉલિંગ, મફત નેશનલ રોમિંગ, દરરોજ 100 SMS અને 1GB ડેટા મળતો હતો. આ પ્લાન પણ નવા ગ્રાહકો માટે જ લોન્ચ કરવામાં આવ્યો હતો.
ખાનગી ટેલિકોમ ઓપરેટરોની જેમ BSNL પણ હવે 5G સેવાઓ શરૂ કરવાની તૈયારીમાં છે. નવી દિલ્હીમાં યોજાયેલા 'ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2026' દરમિયાન BSNLના પ્રિન્સિપલ જનરલ મેનેજર વિવેક દુઆએ જણાવ્યું હતું કે કંપની 5G દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. અહેવાલો અનુસાર, દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં ટૂંક સમયમાં 5G ટ્રાયલ શરૂ થઈ શકે છે. BSNLનું 4G નેટવર્ક પણ હાલમાં કાર્યરત છે અને આગામી દિવસોમાં તેનું કવરેજ વધુ વિસ્તારવામાં આવશે.