રાષ્ટ્રીય એકતા પરેડમાં ભાગ લેવા માટે આસામથી એકતાનગર આવેલી સીમા સુરક્ષા બળ (BSF)ની 40 જવાનોની ટુકડીમાંથી 28 જવાનોને ડેન્ગ્યુ થયો છે. આ ઘટનાને પગલે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જવાનોને એક પછી એક તાવની ફરિયાદ થતાં તાત્કાલિક મેડિકલ તપાસ કરવામાં આવી હતી. તેમાં 28 જવાનોના રિપોર્ટ ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા છે. તમામ સંક્રમિત જવાનોને સારવાર માટે એકતાનગર સ્થિત ટ્રૉમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસથી તેમની સઘન સારવાર ચાલી રહી છે અને તબીબો દ્વારા રોજેરોજ તેમના બ્લડ સેમ્પલની તપાસ કરવામાં આવી રહી છે.
ડેન્ગ્યુના સંક્રમણને કારણે આ જવાનો 31 ઓક્ટોબરની પરેડમાં ભાગ લઈ શકશે કે કેમ તે અંગે હાલ અનિશ્ચિતતા છે. જોકે, આગામી દિવસોમાં તેમની તબિયતમાં સુધારો થાય તો તેઓ પરેડમાં જોડાઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા આરોગ્ય વિભાગે એકતાનગર વિસ્તારમાં મચ્છરોના ઉત્પત્તિસ્થળો શોધીને તેનો નાશ કરવાની કામગીરી શરૂ કરી છે. સંક્રમણને વધુ ફેલાતું અટકાવવા માટે સમગ્ર વિસ્તારમાં ફોગિંગ, ક્લોરિનેશન અને સઘન સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.