કચ્છના સર ક્રીક વિસ્તારમાંથી સીમા સુરક્ષા દળ (BSF)ના જવાનોએ ચાર પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરી છે. આ માછીમારો ભારતીય જળસીમામાં ઘૂસી આવ્યા હોવાનું જાણવા મળે છે. BSFએ તેમની સાથે એક ફાઇબર ફિશિંગ બોટ પણ જપ્ત કરી છે.
પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, ઝડપાયેલા માછીમારો કરચલા પકડવા માટે ભારતીય સીમામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું છે. આ તમામ માછીમારો પાકિસ્તાનના સિંધ પ્રાંતના 'ચચ જાન ખાન' ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
BSFએ ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી. ઝડપાયેલા માછીમારોની ઓળખ કાદિર થૈમોર, મુહમ્મદ મુસા, અઝગર થૈમોર અને એહસાન જાટ તરીકે થઈ છે.
હાલમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. માછીમારો માત્ર કરચલા પકડવાના હેતુથી આવ્યા હતા કે તેમની પાછળ કોઈ અન્ય શંકાસ્પદ ઈરાદો છે, તે દિશામાં તપાસ ચાલી રહી છે. આગળની કાનૂની કાર્યવાહી અને સઘન પૂછપરછ માટે તમામ માછીમારોને સંબંધિત એજન્સીઓને સોંપવામાં આવ્યા છે.