સત્ય. સાહસ. સંકલ્પ.

BS-VII નિયમો 2029થી લાગુ: જૂના વાહનો પર પ્રતિબંધ નહીં, ફક્ત નવા વાહનોને લાગુ

BS-VII નિયમો 2029થી લાગુ: જૂના વાહનો પર પ્રતિબંધ નહીં, ફક્ત નવા વાહનોને લાગુ

વાહનોના કારણે વધતા પ્રદૂષણને કાબૂમાં લેવા અને લોકોના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા ભારત સરકાર એક મોટો નિર્ણય લેવા જઈ રહી છે. કેન્દ્ર સરકારે એપ્રિલ 2029થી સમગ્ર દેશમાં નવા 'ભારત સ્ટેજ 7' (BS-VII) ઉત્સર્જન નિયમો લાગુ કરવાની તૈયારી કરી છે. જો તમારી પાસે પોતાનું વાહન છે અથવા તમે નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જરૂરી છે.

ઘણા લોકોના મનમાં પ્રશ્ન છે કે શું નવા નિયમો આવવાથી તેમના જૂના વાહનો રસ્તા પર નહીં દોડી શકે? ચાલો, આ નવા નિયમો વિશેની દરેક માહિતી સમજીએ.

જૂના વાહનોનું શું થશે? શું રજિસ્ટ્રેશન રદ થશે?

હાલમાં જે લોકો BS-VI કે તેથી જૂના વાહનો ચલાવે છે તેમના માટે આ રાહતના સમાચાર છે. BS-VII નિયમ લાગુ થવાથી જૂના વાહનોને ભંગારમાં આપવા નહીં પડે કે તેના પર કોઈ પ્રતિબંધ નહીં મૂકાય.

આ નવા કાયદાને કારણે તમારા ચાલુ વાહનનું રજિસ્ટ્રેશન રદ નહીં થાય.

વાહનની કાયદેસરની ઉંમર (વેલિડિટી)માં પણ સરકાર કોઈ જ ઘટાડો નહીં કરે.

ટૂંકમાં, આ પ્રસ્તાવિત નિયમો માત્ર નિયત સમયમર્યાદા પછી ફેક્ટરીમાં બનતા 'નવા' વાહનોને જ લાગુ પડશે. પહેલેથી નોંધાયેલી જૂની કાર કે SUV ને તેની કોઈ અસર નહીં થાય. વાહનની ઉંમર, ફિટનેસ અને PUC (પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર)ને લગતા જૂના નિયમો રાબેતા મુજબ જ ચાલુ રહેશે.

નવા નિયમો ક્યારથી અને કયા વાહનો પર લાગુ પડશે?

માર્ગ પરિવહન મંત્રાલયે આ ફેરફારને એકસાથે લાગુ કરવાને બદલે એપ્રિલ 2029થી એપ્રિલ 2035 વચ્ચેના 6 વર્ષના સમયગાળામાં તબક્કાવાર લાગુ કરવાની મંજૂરી આપી છે, જેથી ઓટોમોબાઈલ કંપનીઓ અને લોકોને તૈયારી માટે પૂરતો સમય મળી રહે. તેની ટાઈમલાઈન નીચે મુજબ છે:

  • એપ્રિલ 2029થી: દેશમાં ઉત્પાદિત થતી તમામ નવી કાર અને SUV પર આ નિયમ સૌથી પહેલા લાગુ થશે.
  • 2030થી: નાના કાર્ગો વાહનો (માલવાહક વાહનો) અને પિકઅપ વાન પર નિયમ લાગુ પડશે.
  • એપ્રિલ 2031થી: બસો, ભારે ટ્રક અને અન્ય મોટા કમર્શિયલ વાહનોને આ નિયમો હેઠળ આવરી લેવાશે.
  • ટુ-વ્હીલર (બાઈક/સ્કૂટર): ટુ-વ્હીલર માટે હજુ કોઈ તારીખ નક્કી કરાઈ નથી. સરકાર જ્યારે સત્તાવાર ડ્રાફ્ટ (નોટિફિકેશન) બહાર પાડશે, ત્યારે જ તેની સમયમર્યાદા સંપૂર્ણપણે સ્પષ્ટ થશે.

નવા નિયમો આવવાથી વાહનો અને એન્જિનમાં શું ફેરફારો થશે?

આ નિયમોનો મુખ્ય હેતુ હવામાં ભળતા ઝેરી પ્રદૂષકો જેવા કે નાઈટ્રોજન ઓક્સાઈડ, હાઈડ્રોકાર્બન અને અત્યંત સૂક્ષ્મ રજકણોને કંટ્રોલ કરવાનો છે, જે સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો છે.