સત્ય. સાહસ. સંકલ્પ.

બ્રિટિશ નાગરિકની PIL પર હાઈકોર્ટના આકરા સવાલ: 'મતાધિકાર નથી તો સિસ્ટમ કેમ બદલવી?'

બ્રિટિશ નાગરિકની PIL પર હાઈકોર્ટના આકરા સવાલ: 'મતાધિકાર નથી તો સિસ્ટમ કેમ બદલવી?'

મૂળ ભારતીય અને હાલ બ્રિટનના નાગરિક પંકજ પટેલે ભારતની વ્યવસ્થામાં ફેરફારની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી (PIL) કરી છે. આ અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે અરજદારને પૂછ્યું કે, તમને ભારતમાં મત આપવાનો અધિકાર નથી, તો તમે સિસ્ટમ બદલવાની અરજી કેવી રીતે કરી શકો? કોર્ટે OCI (ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયા) કાર્ડધારકોને મળતા અધિકારો અંગે કાયદાકીય પુરાવા રજૂ કરવા આદેશ આપ્યો છે.

ગુજરાત હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસની ખંડપીઠ સમક્ષ પંકજ પટેલે જાતે હાજર રહીને દલીલ કરી હતી કે, ચાર દાયકા પહેલાં જ્યારે તેમણે ભારત છોડ્યું ત્યારે દેશ સુંદર અને કાયદાથી ચાલતો હતો. આજે દેશની સ્થિતિ ખરાબ થઈ છે અને કાયદા વગર ચાલી રહ્યો છે, જેથી તેમને દુઃખ થાય છે.

અરજદારની દલીલ સાંભળીને કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું અને સવાલ કર્યો કે, જો દેશ આટલો જ ખરાબ છે તો તમારે ભારતમાં કેમ રહેવું છે? તમને કેટલીક વ્યવસ્થા નથી ગમતી એટલે તમે આખી સિસ્ટમ બદલવા આવ્યા છો? પહેલા કોર્ટને સમજાવો કે OCI હોલ્ડરને કયા અધિકારો મળે છે.

સરકારી વકીલે રજૂઆત કરી કે, અરજદાર સરકાર પાસે કયા પ્રકારના બદલાવની અપેક્ષા રાખે છે તે સ્પષ્ટ કરવા માટે અરજીની નકલ આપવી જોઈએ, જેથી સરકાર યોગ્ય નિરીક્ષણ કરી શકે.

કોર્ટના સવાલોના જવાબમાં પંકજ પટેલે ભાવુકતાપૂર્વક કહ્યું કે, તેઓ બ્રિટન પાછા નથી જવા માંગતા, પરંતુ દેશની સ્થિતિ સુધરે એવું ઈચ્છે છે. તેમનો હેતુ લોકોને મદદ કરવાનો છે, બીજી કોઈ અંગત ઈચ્છા નથી.

કોર્ટે રાજ્ય સરકારને વિદેશી નાગરિક અથવા OCI કાર્ડધારકને ભારતમાં જાહેરહિતની અરજી કરવાનો કાયદાકીય અધિકાર છે કે નહીં, તે અંગે પુરાવા અને સ્પષ્ટતા રજૂ કરવા કહ્યું છે. આ કેસની વધુ સુનાવણી આગામી 8 ડિસેમ્બરે થશે, જેમાં અરજદારને રૂબરૂ હાજર રહેવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.