બ્રિટિશ એરવેઝની લંડનથી શિકાગો જતી ટ્રાન્સએટલાન્ટિક ફ્લાઇટ BA295એ આયર્લેન્ડ પર ઉડાન દરમિયાન ઈમરજન્સી જાહેર કરી છે. એર ટ્રાફિક ટ્રેકિંગ ડેટા મુજબ, બોઇંગ 777-200ER વિમાન 37,000 ફૂટની ઊંચાઈ પર ઉડી રહ્યું હતું, ત્યારે અચાનક ઝડપથી નીચે ઊતરવા લાગ્યું અને થોડી જ મિનિટોમાં 28,000 ફૂટ નીચે આવીને 9,000 ફૂટની ઊંચાઈ પર સ્થિર થયું. આ પછી પાઇલટે ટ્રાન્સપોન્ડર પર 7700 ઈમરજન્સી કોડ સેટ કર્યો.
BA295એ લંડનના હીથ્રો એરપોર્ટ પરથી સવારે 11:50 વાગ્યે ઉડાન ભરી હતી અને તેને શિકાગોના O’Hare International Airport પર ઉતરવાનું હતું. વિમાનમાં અચાનક આવેલી ઓપરેશનલ સમસ્યાને કારણે ઈમરજન્સી જાહેર કરાઈ હોવાનું જણાવાય છે. હાલમાં ઈમરજન્સીના ચોક્કસ કારણ અંગે સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.
7700 ઈમરજન્સી કોડ (જેને Squawk 7700 પણ કહેવાય છે) એ વૈશ્વિક માનક એવિએશન કોડ છે, જેનો ઉપયોગ પાઇલટ એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને સામાન્ય કટોકટીની જાણ કરવા માટે કરે છે. જ્યારે પાઇલટ આ કોડ સેટ કરે છે, ત્યારે નજીકના તમામ ATC રડાર સ્ક્રીન પર ફ્લાઇટ માટે વિશેષ એલર્ટ દેખાય છે, જેથી ATCને તરત ખબર પડે કે આ ફ્લાઇટને તાત્કાલિક મદદ કે પ્રાથમિકતાની જરૂર છે.
7700 કોડનો ઉપયોગ સામાન્ય રીતે ટેકનિકલ ખામી (એન્જિન સમસ્યા, કેબિન પ્રેશર ઘટવું વગેરે), મેડિકલ ઈમરજન્સી, ખરાબ હવામાન કે ટર્બ્યુલન્સ, અથવા બળતણની કટોકટી જેવા સંજોગોમાં થાય છે. અન્ય મહત્વના ઈમરજન્સી કોડમાં 7500 (હાઇજેક) અને 7600 (રેડિયો સંપર્ક તૂટવો)નો સમાવેશ થાય છે.