સત્ય. સાહસ. સંકલ્પ.

પ્લાનિંગની ખામી: નવો પુલ કેનાલમાં પાણી છોડતાં પહેલાં જ ધરાશાયી

પ્લાનિંગની ખામી: નવો પુલ કેનાલમાં પાણી છોડતાં પહેલાં જ ધરાશાયી

વાવ-થરાદના જમડા નજીક ઇઢાટા ડિસ્ટ્રી કેનાલ પર નવો બનાવવામાં આવેલો પુલ કેનાલમાં પાણી છોડાય તે પહેલાં જ ધરાશાયી થઈ ગયો છે. છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી આ પુલ બનાવવાની કામગીરી પૂર્ણ થાય તે પહેલાં જ પુલ તૂટી પડતાં નર્મદા નિગમના અધિકારીઓની કામગીરી અને વપરાયેલા મટીરિયલની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકોએ પ્રશાસનની બેદરકારીને કારણે આ ઘટના બની હોવાનો આક્ષેપ કર્યો છે. જોકે, પુલ કયા કારણોસર ધરાશાયી થયો તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણ થઈ શકી નથી, પરંતુ ઘટના બાદ પ્રશાસન સક્રિય થયું છે.

અમદાવાદમાં અંદાજે ₹500 કરોડના ખર્ચે સાણદ સર્કલથી ઈસ્કોન ફ્લાયઓવર સુધી બની રહેલા 4 કિમી લાંબા એલિવેટેડ સિક્સ લેન કોરિડોરનું કામ અંતિમ તબક્કામાં છે. ત્યારે પ્રશાસનને ડ્રેનેજ લાઈન ખસેડવાનું યાદ આવ્યું છે. દરરોજ 2 લાખ વાહનોને રાહત આપવા અને કર્ણાવતી ક્લબ તથા પ્રહલાદનગર જેવા વિસ્તારોને ટ્રાફિકમુક્ત બનાવવાના દાવાવાળો આ કોરિડોર દબાઈ ન જાય તે માટે મનપા ₹31 લાખના ખર્ચે ડ્રેનેજ લાઈન શિફ્ટ કરી રહી છે. પ્રોજેક્ટ જુલાઈ સુધીમાં ખુલ્લો મુકાય તેવી શક્યતા વચ્ચે અંતિમ તબક્કે હાથ ધરાયેલી આ કામગીરીથી AMC અને હાઈવે ઓથોરિટી વચ્ચેના સંકલન પર સવાલો ઊભા થયા છે.

વોટર કમિટી ચેરમેન ધરમશી દેસાઈએ ખુલાસો કર્યો છે કે આ કામગીરીમાં કોઈ વિલંબ થયો નથી. પ્રિકાસ્ટ બોક્સમાં ડ્રેનેજ લાઈન ફિક્સ કરવા અગાઉથી લેવાયેલા નિર્ણય મુજબ જ ₹31 લાખના ખર્ચે કામગીરી ચાલી રહી છે અને તેને બ્રિજ શરૂ થવા સાથે કોઈ લેવાદેવા નથી.

અમદાવાદમાં વેજલપુરથી મકરબાને જોડતા વિવાદિત બ્રિજના છેડા પર ટ્રાફિક સિગ્નલ લગાવવાની તૈયારીઓ શરૂ થતાં વાહનચાલકોની મુશ્કેલીઓ ફરી વધવાના એંધાણ દેખાઈ રહ્યા છે. અગાઉ ફોલ્ટી ડિઝાઇનના કારણે કેપ્સ્યુલ બેરીકેટિંગ કરવામાં આવ્યું હતું, જે હટાવીને હવે કોર્પોરેટ રોડ અને એસજી હાઇવે તરફ જવાના માર્ગો પર સિગ્નલના પોલ ઉભા કરાયા છે. જોકે, આ આયોજનના કારણે બ્રિજ પર વાહનોની લાંબી કતારો લાગવાની અને ટ્રાફિક સમસ્યા વધુ વિકટ બનવાની આશંકા સેવાઈ રહી છે. સિગ્નલના આ નિર્ણયથી AMC અને ટ્રાફિક પોલીસ વચ્ચે સંકલનના અભાવ અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે.