BRICS હવે ફક્ત ઉભરતી અર્થવ્યવસ્થાઓનું જૂથ નથી રહ્યું. વૈશ્વિક આર્થિક અને રાજકીય વ્યવસ્થામાં બદલાવની ચર્ચા વચ્ચે BRICS એક મહત્વપૂર્ણ મંચ તરીકે ઉભરી આવ્યું છે. અમેરિકાને આ જૂથની વધતી અસર અંગે ચિંતા થાય છે, ખાસ કરીને અમેરિકી ડોલરના વૈશ્વિક વર્ચસ્વને લઈને થતી ચર્ચાઓએ આ ચિંતા વધારી છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક વખત BRICS દેશોને ટેરિફની ધમકી આપી છે. જાન્યુઆરી 2025માં તેમણે કહ્યું હતું કે જો BRICS અમેરિકી ડોલરને બદલવાનો પ્રયાસ કરશે તો સભ્ય દેશો પર 100 ટકા સુધીનો ટેરિફ લગાવી શકાય. ફેબ્રુઆરીમાં પણ તેમણે આવી ચેતવણી આપી હતી. જુલાઈ 2025માં તેમણે કહ્યું હતું કે BRICSની કથિત ‘એન્ટી-અમેરિકન પોલિસી’ સાથે જોડાનારા દેશો પર વધારાનો 10 ટકા ટેરિફ લગાવી શકાય.
પણ સવાલ એ છે કે BRICSને લઈને અમેરિકા આટલું ચિંતિત કેમ છે? BRICS શું છે, તેની શરૂઆત ક્યારે થઈ, તેનો હેતુ શું છે અને તે કેવી રીતે કામ કરે છે? સૌથી મોટો સવાલ એ છે કે ડોલરને લઈને BRICSની ચર્ચા અમેરિકા માટે આટલી મોટી ચિંતાનો વિષય કેમ બની છે?
BRICS નામ કેવી રીતે પડ્યું?
BRICS નામ પાંચ દેશોના નામના પ્રથમ અક્ષરો પરથી બન્યું છે: બ્રાઝિલ (B), રશિયા (R), ભારત (I), ચીન (C) અને દક્ષિણ આફ્રિકા (S).
આ દેશો વચ્ચે સહયોગની શરૂઆત 2006માં થઈ હતી. પ્રથમ BRIC લીડર્સ સમિટ 16 જૂન 2009ના રોજ રશિયાના યેકાતેરિનબર્ગમાં યોજાઈ હતી. તે સમયે તેમાં બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન એટલે કે BRIC સામેલ હતા. બાદમાં દક્ષિણ આફ્રિકા જોડાયું અને 2010માં તેના સમાવેશ બાદ BRICનું નામ BRICS થઈ ગયું.
જોકે BRIC શબ્દની ચર્ચા આ પહેલાં જ શરૂ થઈ ગઈ હતી. વર્ષ 2001માં ગોલ્ડમેન સાક્સના અર્થશાસ્ત્રી જિમ ઓ’નીલે એક રિસર્ચ પેપરમાં બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીનની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓને એકસાથે જોતા ‘BRIC’ શબ્દનો ઉપયોગ કર્યો હતો.
BRICS બનાવવાનો હેતુ શું હતો?
BRICSની શરૂઆત અમેરિકાના વિરોધમાં કોઈ સંગઠન તરીકે થઈ નહોતી. તેનો મૂળ હેતુ વૈશ્વિક આર્થિક અને રાજકીય વ્યવસ્થામાં ઉભરતી અર્થવ્યવસ્થાઓની ભૂમિકાને મજબૂત બનાવવાનો હતો.
બીજા વિશ્વયુદ્ધ બાદ વર્લ્ડ બેન્ક અને IMF જેવી વૈશ્વિક સંસ્થાઓની રચના થઈ. BRICS દેશો લાંબા સમયથી એવી દલીલ કરતા આવ્યા છે કે આ સંસ્થાઓમાં વિકાસશીલ અને ઉભરતી અર્થવ્યવસ્થાઓને તેમની આર્થિક શક્તિની સરખામણીએ પૂરતું પ્રતિનિધિત્વ મળતું નથી.
આ જ રીતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્યપદ ફક્ત પાંચ દેશો પાસે છે. BRICS દેશોનું માનવું છે કે 21મી સદીની આર્થિક અને રાજકીય હકીકતો 1945ની દુનિયા કરતાં ઘણી અલગ છે. તેથી વૈશ્વિક સંસ્થાઓમાં પ્રતિનિધિત્વ અને નિર્ણય લેવાની વ્યવસ્થામાં સુધારો થવો જોઈએ.
2008ની વૈશ્વિક આર્થિક મંદીએ પણ આ વિચારને વધુ મજબૂત બનાવ્યો. અમેરિકા અને યુરોપની અર્થવ્યવસ્થાઓને મોટો ફટકો પડ્યો હતો, જ્યારે ચીન અને ભારત જેવી ઉભરતી અર્થવ્યવસ્થાઓ પ્રમાણમાં મજબૂત રહી હતી. આવી સ્થિતિમાં આ દેશો માટે એકસાથે આવીને G20, IMF, વર્લ્ડ બેન્ક અને અન્ય વૈશ્વિક મંચો પર પોતાની વાત વધુ મજબૂતીથી રજૂ કરવી સરળ બની.
સરળ ભાષામાં કહીએ તો BRICSનો શરૂઆતનો હેતુ વૈશ્વિક નિર્ણયોમાં અમેરિકા અને પશ્ચિમી દેશો ઉપરાંત ગ્લોબલ સાઉથની ભૂમિકાને પણ મજબૂત બનાવવાનો હતો.
BRICS કેવી રીતે કામ કરે છે?
BRICSની પોતાની કોઈ સરકાર નથી. તેનું કોઈ પ્રમુખ, સંસદ કે કાયમી મુખ્યાલય પણ નથી. દર વર્ષે કોઈ એક સભ્ય દેશ BRICSની અધ્યક્ષતા કરે છે. આ દેશ સમગ્ર વર્ષ દરમિયાન યોજાનારી બેઠકો અને એજન્ડાને આગળ ધપાવે છે.
વિવિધ મુદ્દાઓ પર સભ્ય દેશોના મંત્રીઓ બેઠક કરે છે. વેપાર, આરોગ્ય, શિક્ષણ, ટેક્નોલોજી, વિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં અલગ-અલગ વર્કિંગ ગ્રુપ બનાવવામાં આવ્યા છે.
BRICSમાં મોટા નિર્ણયો સામાન્ય રીતે સભ્ય દેશોની સહમતીથી લેવામાં આવે છે. વર્ષના અંતે યોજાતી BRICS સમિટ તેનું સૌથી મોટું મંચ છે, જેમાં સભ્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અથવા સરકારના વડાઓ ભાગ લે છે. સમગ્ર વર્ષ દરમિયાન થયેલી ચર્ચાઓ અને બેઠકોના આધારે સંયુક્ત ડિક્લેરેશન પણ જાહેર કરવામાં આવે છે.
2026માં BRICSની અધ્યક્ષતા ભારત પાસે છે. તેથી આ વર્ષે યોજાનારી બેઠકો અને BRICS સમિટનું ખાસ મહત્વ છે.