સત્ય. સાહસ. સંકલ્પ.

BRICS સમિટ: 7 વર્ષ બાદ શી જિનપિંગ ભારત આવશે, દિલ્હીમાં 30 હજાર સુરક્ષાકર્મી તૈનાત

BRICS સમિટ: 7 વર્ષ બાદ શી જિનપિંગ ભારત આવશે, દિલ્હીમાં 30 હજાર સુરક્ષાકર્મી તૈનાત

ચીનના વિદેશ મંત્રાલયે સત્તાવાર જાહેરાત કરી છે કે ચીનના પ્રમુખ શી જિનપિંગ 12 અને 13 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાનારી 18મી BRICS સમિટમાં ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર થઈ રહેલી આ મુલાકાત સાત વર્ષ બાદ થઈ રહી છે. શી જિનપિંગ છેલ્લે 2019માં ચેન્નાઈ નજીક મામલ્લાપુરમ ખાતે મોદી સાથેની બેઠક માટે ભારત આવ્યા હતા.

સમિટની સાથે 12 સપ્ટેમ્બરે મોદી અને શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાય તેવી પ્રબળ શક્યતા છે. આ પહેલાં કિર્ગિસ્તાનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ દરમિયાન બંને નેતાઓએ એક જ મંચ પરથી હાથ મિલાવ્યા હતા, પણ સત્તાવાર દ્વિપક્ષીય બેઠક થઈ નહોતી. ઓક્ટોબર 2024માં રશિયાના કઝાન ખાતે BRICS સમિટ દરમિયાન બંને વચ્ચે મુલાકાત થઈ હતી.

શી જિનપિંગની ભારત મુલાકાતનો ઇતિહાસ જોઈએ તો 2014માં બંને નેતાઓના પ્રથમ કાર્યકાળ દરમિયાન તેઓ ભારત આવ્યા હતા અને 2016માં ગોવા ખાતે યોજાયેલી BRICS સમિટમાં ભાગ લીધો હતો.

ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ હજુ ઉકેલાયો નથી. જૂન 2020માં ગલવાન ઘાટીમાં થયેલા સંઘર્ષમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા, ત્યારથી સરહદ પર તણાવની સ્થિતિ હતી. બંને પક્ષોએ લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પરના વિવાદિત પોઇન્ટ્સ પરથી સૈનિકો પાછા ખેંચીને પરિસ્થિતિ સ્થિર કરવાનો પ્રયાસ કર્યો છે, પણ સમગ્ર સીમા વિવાદ વણઉકેલાયો છે.

આ મુલાકાત પહેલાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ઉચ્ચ સ્તરીય ચર્ચા માટે ચીન ગયા હતા. સરહદ સંબંધી બાબતો માટેની 'વર્કિંગ મિકેનિઝમ ફોર કન્સલ્ટેશન એન્ડ કોઓર્ડિનેશન' (WMCC) અને બંને દેશોના વિશેષ પ્રતિનિધિઓ વચ્ચે બેઠકોનો દોર ચાલ્યો હતો. આગામી બેઠકમાં સરહદી સમસ્યા, પ્રાદેશિક સુરક્ષા, વેપાર અને રોકાણ, લોકો વચ્ચેના આદાન-પ્રદાન તથા LAC પર તણાવ અટકાવવાની કાયમી વ્યવસ્થાઓ પર ચર્ચા થઈ શકે છે.

પશ્ચિમ એશિયામાં અસ્થિરતા, અમેરિકાના ટેરિફ પગલાં અને રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારત અને ચીનનું સાથે આવવું વૈશ્વિક સ્તરે અગત્યનું માનવામાં આવે છે.

વૈશ્વિક નેતાઓના આગમનને ધ્યાનમાં રાખીને રાજધાની દિલ્હીમાં વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એરપોર્ટ, હોટલો અને મુખ્ય કાર્યક્રમ સ્થળ 'ભારત મંડપમ' ખાતે આશરે 30,000 સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. તેમાં અડધા દિલ્હી પોલીસના અને બાકીના અર્ધલશ્કરી દળોના જવાનોનો સમાવેશ થાય છે.

ચીન અને રશિયાની પોતાની એડવાન્સ સુરક્ષા ટીમો આધુનિક હથિયારો અને ઉપકરણો સાથે દિલ્હી પહોંચી ગઈ છે. આ ટીમો નેતાઓ જે હોટલમાં રોકાવાના છે તેના ગ્રાઉન્ડ ફ્લોર, રૂફટોપ અને પ્રમુખોના રૂમવાળા માળ પર તૈનાત થઈ ચૂકી છે.

દિલ્હી પોલીસે હોટલના પ્રત્યેક કર્મચારીનું બેકગ્રાઉન્ડ વેરિફિકેશન કર્યું છે, જેમાં દિલ્હી તથા તેમના મૂળ રાજ્યોમાંથી રેકોર્ડ તપાસવામાં આવ્યા છે. ચીનના રાષ્ટ્રપતિની સુરક્ષા વ્યવસ્થા દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને સોંપવામાં આવી છે, જ્યારે રશિયન પ્રમુખ જે હોટલમાં રોકાશે ત્યાં એક વધારાના ડીસીપી અને બે એસીપી અલગ-અલગ શિફ્ટમાં તૈનાત રહેશે.