સત્ય. સાહસ. સંકલ્પ.

બ્રિક્સ સમિટના વેજ ડિનર મેનૂ પર રાજકીય વિવાદ, રાહુલ ગાંધી અને રિજિજુ આમને-સામને

બ્રિક્સ સમિટના વેજ ડિનર મેનૂ પર રાજકીય વિવાદ, રાહુલ ગાંધી અને રિજિજુ આમને-સામને

નવી દિલ્હીમાં યોજાયેલી બ્રિક્સ સમિટના ગાલા ડિનરમાં પીરસવામાં આવેલા સંપૂર્ણ વેજિટેરિયન મેનૂને લઈને રાજકીય વિવાદ શરૂ થયો છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર છોલે ભટૂરેની તસવીર શેર કરીને દાવો કર્યો કે ભારતની 80 ટકા વસ્તી નોન-વેજિટેરિયન છે.

રાહુલ ગાંધીએ લખ્યું, "રેકોર્ડ માટે, 80% ભારતીય નોન-વેજિટેરિયન છે. ભારતીય નોન-વેજ ખાવાનું સ્વાદિષ્ટ છે. મારી બહેનના છોલે ભટૂરે પણ."

આ ટિપ્પણી ગાલા ડિનરના એક દિવસ પછી આવી છે, જેમાં મહેમાનો માટે ભારતના વિવિધ પ્રદેશોની પરંપરાગત વેજિટેરિયન વાનગીઓ પીરસવામાં આવી હતી. આયોજનમાં ભારતીય ખાનપાનની વિવિધતા દર્શાવવામાં આવી હતી.

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ રાહુલ ગાંધીની પોસ્ટ પર પલટવાર કર્યો છે. તેમણે કહ્યું, "મને વિશ્વાસ નથી થતો કે કોંગ્રેસ પાર્ટી બ્રિક્સ દેશોના નેતાઓને પીરસવામાં આવેલા ભોજનના મેનૂ પર પણ રાજકારણ કરી રહી છે. આપણા મહેમાનોએ ભારતીય શાકાહારી ભોજનનો આનંદ લીધો, જે સ્વાદ અને પોષણથી ભરપૂર હતું અને જેમાં જુદા જુદા પ્રદેશોની પરંપરા પણ સામેલ હતી."

આંતરરાષ્ટ્રીય આયોજનના મેનૂને લઈને બંને પક્ષો વચ્ચે નિવેદનબાજી ચાલી રહી છે. એક તરફ રાહુલ ગાંધીએ ભારતમાં નોન-વેજિટેરિયન ભોજનના મોટા હિસ્સાનો ઉલ્લેખ કરીને મુદ્દો ઉઠાવ્યો છે, તો બીજી તરફ સરકારે વિપક્ષ સામે પલટવાર કર્યો છે.