સત્ય. સાહસ. સંકલ્પ.

બ્રિક્સ સમિટમાં પીએમ મોદીની સ્પષ્ટ ચેતવણી: UNSC સુધારો હવે ટાળી શકાય નહીં

બ્રિક્સ સમિટમાં પીએમ મોદીની સ્પષ્ટ ચેતવણી: UNSC સુધારો હવે ટાળી શકાય નહીં

નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે યોજાયેલી બ્રિક્સ સમિટ ૨૦૨૬માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક કૂટનીતિમાં ભારતનું સ્થાન ફરી એકવાર દુનિયા સમક્ષ મૂક્યું છે. સમિટના ઉદ્ઘાટન સંબોધનમાં તેમણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં સુધારાને નિશ્ચિત સમયમર્યાદા સાથે જોડવાની માંગ કરી. તેમણે કહ્યું કે આ સુધારો હવે વધુ ટાળી શકાય તેમ નથી.

પીએમ મોદીએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓમાં પણ સભ્ય દેશોની પ્રમાણસર ભાગીદારી અને મતાધિકારની તાકાત વધારવી જરૂરી છે. તેમણે કહ્યું કે આજે ગ્લોબલ સાઉથ વૈશ્વિક સંગઠનોમાં આગળની હરોળમાં છે, પરંતુ નિર્ણય લેવાની પ્રક્રિયામાં હજી પાછળ જ રહે છે. તેમણે ‘વિશેષાધિકારના પિરામિડ’ને ‘ભાગીદારીના મંચ’માં બદલવાની વાત કરી, જ્યાં દરેક દેશનો અવાજ સંભળાય અને દરેક સભ્યની ભાગીદારી હોય.

પીએમ મોદીએ ‘બ્રિક્સ સુધારણા રોડમેપ’નો પ્રસ્તાવ મૂક્યો. તેમણે કહ્યું કે વૈશ્વિક શાસનમાં સુધારા માટે ૧૦ પ્રસ્તાવ તૈયાર કરવા જોઈએ, જેને આગામી શિખર સંમેલન સુધી રોડમેપનું સ્વરૂપ આપી શકાય. આ રોડમેપ તૈયાર કરતી વખતે પ્રતિનિધિત્વ, જવાબદારી અને નિયમો બનાવવા – આ ત્રણ સ્તંભો પર ધ્યાન આપવું પડશે.

સમિટમાં રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ સહિત તમામ સભ્ય દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. આજે બપોરે ૨ વાગ્યા પછી તમામ પ્રતિનિધિઓ ભારત મંડપમ પહોંચ્યા, જ્યાં પીએમ મોદીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. સ્વાગત સંબોધનમાં તેમણે કહ્યું કે આ સમિટમાં ૩૫૦થી વધુ બેઠકોનું આયોજન થયું છે અને ૩૦ શહેરોમાં પ્રતિનિધિઓની ટીમનું સ્વાગત કરવાની તક મળી છે.

સમિટ સાથે જોડાયેલી એક મહત્ત્વની બાબત સામે આવી છે કે તમામ સભ્ય દેશો વચ્ચે સમાન ઘોષણાપત્રના એજન્ડા પર સંમતિ સધાઈ છે. આ ઘોષણાપત્રમાં એકતરફી યુદ્ધની વિરુદ્ધ પ્રસ્તાવ પર પણ સર્વસંમતિ બની છે. આ સંમતિ બ્રિક્સ દેશોના સહયોગને વધુ મજબૂત બનાવે છે.