સત્ય. સાહસ. સંકલ્પ.

BRICS સમિટ: મોદી 7 દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકમાં આજે વ્યસ્ત

BRICS સમિટ: મોદી 7 દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકમાં આજે વ્યસ્ત

નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ચાલી રહેલી BRICS શિખર સંમેલનમાં આજે બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાત દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજશે. આ બેઠકોમાં કઝાકિસ્તાન, ફિલિપાઇન્સ, ઇજિપ્ત, દક્ષિણ આફ્રિકા, બુરુન્ડી, નાઇજીરિયા અને યુગાન્ડાના પ્રતિનિધિઓ સાથે વેપાર, રોકાણ અને પરસ્પર સહકાર વધારવા પર ચર્ચા થશે.

સવારે 9:55 વાગ્યે BRICS ભાગીદાર દેશો અને આમંત્રિત દેશોના નેતાઓનું આગમન થશે. 10:35 વાગ્યે સામૂહિક ફોટોસેશન યોજાશે. 10:50 વાગ્યે 'બિલ્ડિંગ ફોર રેઝિલિયન્સ, ઇનોવેશન, કોઓપરેશન એન્ડ સસ્ટેનિબિલિટી: શેપિંગ ધ ફ્યુચર ફોર ઇન્ક્લુઝિવ ગ્લોબલ ગ્રોથ' વિષય પર ખુલ્લું સત્ર યોજાશે. જેમાં ટકાઉ વિકાસ, નવીનતા અને ટેકનોલોજી દ્વારા વૈશ્વિક અર્થતંત્રને વેગ આપવા પર ચર્ચા થશે.

બપોરે 2:30 વાગ્યે કઝાકિસ્તાનના પ્રમુખ કાસિમ-જોમાર્ટ ટોકાયેવ, 3:00 વાગ્યે ફિલિપાઇન્સના પ્રમુખ ફર્ડિનન્ડ આર. માર્કોસ જુનિયર, 3:30 વાગ્યે ઇજિપ્તના પ્રમુખ અબ્દેલ ફતહ અલ-સીસી, 4:10 વાગ્યે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ માતામેલા સિરિલ રામાફોસા, 4:40 વાગ્યે બુરુન્ડીના પ્રમુખ એવરિસ્ટે નાદાઇશિમિયે, 5:10 વાગ્યે નાઇજીરિયાના ઉપપ્રમુખ સેનેટર કાશિમ શેટ્ટીમા અને 5:40 વાગ્યે યુગાન્ડાના ઉપપ્રમુખ જેસિકા અલુપો સાથે મોદીની બેઠકો યોજાશે.

પ્રથમ દિવસે ભારતની અધ્યક્ષતામાં નવી દિલ્હી ઘોષણાપત્ર પર સહમતિ સધાઈ હતી, જેમાં આતંકવાદ સામે લડત અને વૈશ્વિક વેપાર જેવા મુદ્દા સામેલ છે. ગાલા ડિનરમાં ભારતીય સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી.