સત્ય. સાહસ. સંકલ્પ.

BRICS બાદ નેતાઓની તબિયત ખરાબ હોવાના દાવા ફેક, વિદેશ મંત્રાલયે લોકોને સાવચેત રહેવા કહ્યું

BRICS બાદ નેતાઓની તબિયત ખરાબ હોવાના દાવા ફેક, વિદેશ મંત્રાલયે લોકોને સાવચેત રહેવા કહ્યું

નવી દિલ્હીમાં યોજાયેલા BRICS શિખર સંમેલન બાદ અનેક વિશ્વ નેતાઓની તબિયત ખરાબ હોવાનો દાવો કરતી સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને અહેવાલોને ભારતના વિદેશ મંત્રાલયે ફેક ગણાવ્યા છે. વિદેશ મંત્રાલયની ફેક્ટ-ચેકિંગ યુનિટે ગુરુવારે લોકોને આવા દાવાઓથી સાવચેત રહેવાની અપીલ કરી છે.

મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે આવી ખોટી અને ભ્રામક માહિતી ફેલાવતી પોસ્ટ્સથી દૂર રહેવું જોઈએ. મંત્રાલયે આ પ્રકારની પોસ્ટ્સને દુર્ભાવનાપૂર્ણ પણ ગણાવી છે.

વિદેશ મંત્રાલયની આ સ્પષ્ટતા એવા સમયે આવી છે, જ્યારે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાના કાર્યાલયે તેમની તબિયત ખરાબ હોવાની માહિતી આપી છે. કાર્યાલયના જણાવ્યા અનુસાર, BRICS સંમેલનમાંથી ભારત પરત ફર્યા બાદ રામાફોસાએ પોતાના જાહેર કાર્યક્રમોથી અંતર રાખ્યું છે. 73 વર્ષીય રામાફોસાને ડોક્ટરોએ આરામ કરવાની અને સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની સલાહ આપી છે.

રાષ્ટ્રપતિ કાર્યાલય અનુસાર, રામાફોસા સોમવારે BRICS સંમેલનમાંથી પરત ફર્યા હતા. ત્યારથી તેઓ ડોક્ટરોની સલાહ મુજબ આરામ કરી રહ્યા છે. જ્યાં જરૂરી હોય ત્યાં તેમણે પોતાના નિર્ધારિત કાર્યક્રમોમાં સંબંધિત મંત્રીઓને મોકલવા જણાવ્યું છે.

રામાફોસાની સાથે દક્ષિણ આફ્રિકાના ઉપ રાષ્ટ્રપતિ પૉલ મશાતિલે પણ આ દિવસોમાં જાહેર કાર્યક્રમોથી દૂર છે. મશાતિલેએ જણાવ્યું કે, ડોક્ટરોની સલાહ મુજબ તેઓ આગળની સૂચના ન મળે ત્યાં સુધી આરામ ચાલુ રાખશે. આ દરમિયાન તેમના કામકાજને કાર્યાલયની ટીમ તેમજ સરકાર, વેપાર અને અન્ય ક્ષેત્રો સાથે જોડાયેલા લોકો સંભાળી રહ્યા છે.

આ દરમિયાન સોશિયલ મીડિયા અને કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો કે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે BRICS સંમેલન અધવચ્ચે જ છોડી દીધું હતું. આ અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ તબીબી કારણોસર વિશેષ વિમાનથી પરત ફર્યા હતા.

જોકે, વિદેશ મંત્રાલયે આવા દાવાઓને ફેક ગણાવ્યા છે અને લોકોને સોશિયલ મીડિયા પર ચાલી રહેલા આવા અહેવાલો પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી છે.

BRICS શિખર સંમેલન 12 અને 13 સપ્ટેમ્બર 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયું હતું. ભારતે 11 સભ્યો ધરાવતા BRICS સમૂહની આ બેઠકની યજમાની કરી હતી.

સંમેલનમાં વિશ્વ સામેના અનેક મોટા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં વૈશ્વિક સ્તરે સહયોગ વધારવા, વેપાર, રોકાણ અને વિકાસ ઉપરાંત દુનિયામાં બદલાઈ રહેલી પરિસ્થિતિ અંગે પણ ચર્ચા થઈ હતી. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ પણ વૈશ્વિક સહયોગ અને વૈશ્વિક વ્યવસ્થામાં સુધારાની જરૂરિયાત અંગે પોતાનો મત રજૂ કર્યો હતો.

સંમેલનમાં વિશ્વમાં વધી રહેલા તણાવ અને વેપાર સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. BRICS દેશોએ એકપક્ષીય દંડાત્મક, ભેદભાવપૂર્ણ અને સંરક્ષણવાદી પગલાંનો વિરોધ કર્યો હતો.

BRICS દેશોનું કહેવું છે કે આવા પગલાં આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર નથી. ઘોષણામાં કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ જેવા એકપક્ષીય પગલાંનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

BRICS દેશોના જણાવ્યા અનુસાર, આવા પગલાં વિકાસશીલ દેશો માટે આબોહવા પરિવર્તનનો સામનો કરવા, તેની અસરો ઘટાડવા અને પોતાની ક્ષમતા મજબૂત કરવાની દિશામાં ચાલી રહેલા પ્રયાસો પર અસર કરી શકે છે.