નવી દિલ્હીના ભારત મંડપમમાં ચાલી રહેલી 18મી બ્રિક્સ સમિટમાં સભ્ય દેશોએ વૈશ્વિક વ્યાપારમાં અવરોધરૂપ બની રહેલા ટેરિફ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સમિટના અંતે જારી થયેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ દેશ પર એકતરફી ટેરિફ લાદવો યોગ્ય નથી અને તેનાથી આંતરરાષ્ટ્રીય વ્યાપાર તથા સપ્લાઈ ચેઈનને નુકસાન થાય છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તામાં આવ્યા બાદ ભારત, ચીન સહિત અનેક દેશો પર ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત રશિયા અને ઈરાન પાસેથી તેલ ખરીદતા દેશોને પણ ચેતવણી આપવામાં આવી હતી. રશિયન તેલ પર 100% ટેરિફની ધમકી સહિતની કાર્યવાહીઓ સામે બ્રિક્સ દેશોએ આ સમિટમાં પ્રતિક્રિયા આપી છે. બ્રિક્સ દેશોના જણાવ્યા અનુસાર, આવા પગલાં આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ છે અને વિકાસ, ખાદ્ય સુરક્ષા, સ્વાસ્થ્ય તથા માનવ અધિકારો માટે પણ નુકસાનકારક છે.
સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિક્સના ભવિષ્ય માટે રોડમેપ રજૂ કર્યો, જેને અન્ય સભ્ય દેશોએ સ્વીકાર્યો. તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે ગ્લોબલ સાઉથને પણ નિર્ણય પ્રક્રિયામાં સમાન ભાગીદારી મળવી જોઈએ. હાલની વૈશ્વિક વ્યવસ્થા પિરામિડ જેવી છે, જેમાં ઉપરના સ્તરે બેઠેલા દેશો નિર્ણય લે છે અને બાકીના દેશો તેના પરિણામ ભોગવે છે. આવી અસમાનતા દૂર કરવા પર ભાર મૂકવામાં આવ્યો.
ઘોષણાપત્રમાં વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)ના વિવાદ નિવારણ તંત્રને સંપૂર્ણ અને બહુ-સ્તરીય રીતે પુનઃસ્થાપિત કરવાની માગ કરવામાં આવી છે. જેમાં તેની દ્વિ-સ્તરીય સંરચના અને અપીલ સંસ્થા (એપેલેટ બોડી)માં નવા સભ્યોની નિમણૂકનો સમાવેશ થાય છે. બ્રિક્સે ઈથોપિયા અને ઈરાનને WTOમાં જોડાવાના પ્રયાસોને સમર્થન આપ્યું છે. સાથે જ ચીને તેના ઝીરો-ટેરિફ સુવિધા હેઠળ 53 આફ્રિકી દેશોને આપેલા લાભનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સમિટમાં યુદ્ધ અને તણાવની વૈશ્વિક સ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી. બ્રિક્સ દેશોએ સંયુક્ત રીતે એવો રસ્તો અપનાવવા પર ભાર મૂક્યો છે, જેમાં તમામ દેશોને સમાન અધિકાર મળે અને તેઓ વૈશ્વિક નિર્ણય પ્રક્રિયામાં ભાગ ભજવી શકે, તથા તેમના હિતોનું સન્માન થાય. બ્રિક્સના આ નિવેદનને અમેરિકાને આપવામાં આવેલો સીધો સંદેશ માનવામાં આવી રહ્યો છે.